GPCB ની નિષ્ક્રિયતા:વારંવારની રજૂઆતો છતાં કેમિકલ ઠાલવવાની ઘટનાઓ અટકતી નથી, તંત્ર સામે ઉઠ્યા સવાલો.
ઉગ્ર માંગ:કેમિકલ માફિયાઓ સામે ફોજદારી ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવા ગ્રામજનોની મથામણ.
વડોદરા: વડોદરાના સાવલી પંથકમાં કેમિકલ માફિયાઓ જાણે કાયદાનો ડર ભૂલી ગયા હોય તેમ બેફામ બન્યા છે. સાંકરદા-ભાદરવા રોડ પર વહેલી સવારે અજાણ્યા કેમિકલ માફિયાઓએ ખુલ્લા ખેતરમાં જોખમી અને ઝેરી કેમિકલ ઠાલવી ફરાર થઈ જવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.
🧐અંધારાનો લાભ લઈ ગુનાને અંજામ:
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે જ્યારે ચારેબાજુ અંધારું હતું, ત્યારે કોઈ અજાણ્યું વાહન આ વિસ્તારમાં આવ્યું હતું અને ખેતરમાં કાળા રંગનું અત્યંત જોખમી કેમિકલ ઠાલવીને રફુચક્કર થઈ ગયું હતું. સવાર પડતા જ આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાતા સ્થાનિક રહીશો જાગી ગયા હતા અને ઘટનાની જાણ થઈ હતી.
🗣️સ્થાનિકોમાં ભારે રોષ:
ખેતરમાં ઠાલવવામાં આવેલા આ કેમિકલને કારણે આસપાસના ગ્રામજનોના આરોગ્ય પર મોટું જોખમ ઉભું થયું છે. દુર્ગંધ એટલી તીવ્ર છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે આ વિસ્તારમાં અવારનવાર આવી ઘટનાઓ બને છે, છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે કેમિકલ માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે.
👉કડક કાર્યવાહીની માંગ:
સાંકરદા અને આસપાસના ગ્રામજનોએ આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. લોકોની માંગ છે કે આ ગુનામાં સંડોવાયેલા કેમિકલ માફિયાઓને તાત્કાલિક ઝડપી પાડી તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. જો આગામી સમયમાં આવી પ્રવૃત્તિઓ બંધ નહીં થાય, તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
🫵શું GPCB અને સ્થાનિક પોલીસ આ કેમિકલ માફિયાઓ પર લગામ લગાવી શકશે કે પછી જનતાના આરોગ્ય સાથે આવા જ ખેલ ખેલાતા રહેશે?