સુરક્ષિત રેસ્ક્યુ:મગરને કોઈ પણ પ્રકારની ઇજા ન પહોંચે તેવી સાવચેતી સાથે રેસ્ક્યુ કામગીરી પૂર્ણ.
સાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વન્યજીવોના રહેણાંક વિસ્તારોમાં આવવાના બનાવો વધી રહ્યા છે. સાવલીના મોટાપુરા ગામે આજે એક ખેતરમાં મગર આવી ચઢતા ગ્રામજનોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ખેતરમાં સિંચાઈના પાણી માટે નાખવામાં આવેલી જાળી (નેટ) માં મગર ખરાબ રીતે ફસાઈ ગયો હતો.
🐊બચાવ કામગીરી:
ખેતરમાં મગર હોવાની અને જાળીમાં ફસાયો હોવાની જાણ થતા જ તેને જોવા માટે ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક વન્યજીવ પ્રેમી સંસ્થા “લાઇફ વિથ વાઇલ્ડલાઇફ” નો સંપર્ક કર્યો હતો. સંસ્થાની ટીમ સભ્યો તાત્કાલિક સાધનો સાથે મોટાપુરા ગામે દોડી આવ્યા હતા.
ટીમે જોયું કે મગર જાળીમાં એવી રીતે ફસાયો હતો કે તે હલનચલન કરી શકતો નહોતો. ટીમે અત્યંત સાવચેતીપૂર્વક અને મગરને કોઈ પણ પ્રકારની શારીરિક ઇજા ન પહોંચે તે રીતે જાળી કાપીને મગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું.
👉સલામત સ્થળે સ્થળાંતર:
રેસ્ક્યુ બાદ મગરનું પ્રાથમિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વન વિભાગની સૂચના મુજબ તેને સુરક્ષિત અને કુદરતી આવાસમાં છોડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ખેતરમાંથી મગર પકડાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો અને“લાઇફ વિથ વાઇલ્ડલાઇફ” ટીમની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.
🗣️ખેતીકામ દરમિયાન આવા વન્યજીવો દેખાય ત્યારે સ્વયં રેસ્ક્યુ કરવાને બદલે નિષ્ણાતોની મદદ લેવી જ હિતાવહ છે.