- ખોટા પેઢીનમાં,સોગંદનામા કરીને મરણ ગયેલા વ્યક્તિઓ સાથે સબંધ બતાવી કેટલાક ભૂમાફિયાઓ ખેડૂત બની ગયા
- બોગસ દસ્તાવેજોથી બનેલા પેઢીનામાંની પાકી નોંધ પણ પડી ગઈ
- કરોડોના કૌભાંડમાં અનેક ખેડૂતો છેતરાયા,અન્ય ગામોમાં પણ કૌભાંડ થયાની આશંકા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ખોટા દસ્તાવેજો બનાવીને જમીનોમાં ખોટી એન્ટ્રી પાડીને એક જ ગામના આઠ જેટલા પરિવારોની જમીનમાં છેતરપીંડી નો કિસ્સો સામે આવતા સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર તમામ ફરિયાદીઓ ને લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રેવન્યુ વિભાગના અધિકારીઓ અને ભુમાફિયાઓની મિલીભગતના ગંભીર આક્ષેપો કર્યા હતા.
સાવલી તાલુકાના ગોઠડા ગામના સામંતપુરા પેટાપરામાં વર્ષ 2018 થી 2021 સુધીના સમય દરમિયાન 8 જેટલા ખેડૂત ખાતેદારો ની જમીનમાં ખોટા પેઢીનમાં,મરણના દાખલા મૂકીને કેટલીક વ્યક્તિઓ ને ખેડૂત બનવવાનો કારસો ઘડાયો હતો. જે વ્યક્તિ અગાઉથી મૃત્યુ પામેલ હોય તેવા વ્યક્તિનો બનાવટી મરણ નો દાખલો બનાવીને બોગસ પેઢીનામાંને આધારે મૂળ જમીન માલિકના પરિવાર સાથે કોઈ લેવાદેવા જ ન હોય તેવા વ્યક્તિઓના નામની એન્ટ્રી પાડી દેવામાં આવી હતી.
આ કૌભાંડમાં વડીલોપાર્જીત જમીન ધરાવતા જમીન માલિકોને 135-ડીની નોટિસ પણ બજાવવામાં આવી નથી.ખોટા સોગંદનામા,પેઢીનામાં અને મામલતદાર કચેરીએ થી કાચી એન્ટ્રીને પાકી એન્ટ્રી કરી આપવામાં આવી છે. જેમાં અનેક વ્યક્તિઓને ખેડૂત બનાવી દેવામાં આવ્યા છે.
બોગસ ખેડૂત બનાવવાના કૌભાંડમાં રેવન્યુ વિભાગના કેટલાક અધિકારીઓની મિલીભગત સામે આવી છે. જ્યારે વર્ષ2018 થી 2021 દરમિયાન થયેલા આ કૌભાંડમાં હજીતો એક જ ગામની વિગતો સામે આવી છે. જેતે સમય મર્યાદામાં આવા અન્ય કેટલા ગામોમાં બોગસ ખેડૂત બનવવા માટે કૌભાંડ આચરવામાં આવ્યું તે દિશામાં તપાસની માંગણી ધારાસભ્ય કેતન ઇનામદારે કરી છે.