શિયાળાની શરૂઆત થતા જ તસ્કરોએ ડેસર તાલુકાને નિશાન બનાવ્યું છે. ગત રાત્રી દરમિયાન ડેસરના મોટી વરણોલી ગામે પાંચ જેટલા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને ચાર મકાનના તાળા તોડી રોકડા અને દાગીના સહિત લાખોની માતાની ચોરી કરી બિન્દાસ પણે રફુચક્કર થઈ ગયા હતા. અને જાગી ગયેલા મકાન માલિકે બૂમરાણ કરતાં તસ્કરોએ ગળુ દબાવી સોનાની ચેન અને બુટ્ટી લૂંટી લીધી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રીના ડેસર તાલુકાના મોટી વરણોલી ના રાઠોડ ફળિયામાં રહેતા તખતસિંહ પર્વતસિંહ રાઠોડ, બળવંતસિંહ છત્રસિંહ રાઠોડ, રંજનબેન મોહનસિંહ રાઠોડ, મધુબેન અમરસિંહ રાઠોડ ના મકાનોને તસ્કરો એ નિશાન બનાવી મોડી રાત્રીના પાંચ જેટલા તસ્કરોએ મોઢે રૂમાલ બાંધીને રંજનબેન રાઠોડ ના મકાનમાં પાછળથી તાળું તોડી પ્રવેશ કર્યો હતો.
તસ્કરો રંજનબેનના મકાન માં પ્રવેશી તિજોરી નું તાળું તોડતા અવાજ થતા ઓસરીમાં સૂઈ રહેલા રંજનબેન રાઠોડ અને મોહન સિંહ રાઠોડ જાગી ગયા હતા અને લાઇટ ચાલુ કરી મકાનની બારીમાંથી અંદર જોતા તસ્કરો તિજોરી તોડી રહ્યા હતા ત્યારે રંજનબેન એ બુમરાણ મચાવતા બે તસ્કરોએ રંજનબેન નું મોઢું દબાવીને તેઓના ગળામાંથી સોનાની ચેન અને કાનમાંથી બુટ્ટી કાઢી ધક્કો મારી દીધો હતો જ્યારે બૂમાબૂમ કરતા મોહન સિંહ રાઠોડ ને ધક્કો મારી જમીન ઉપર પાડી દઈ મકાનમાંથી પાછળના દરવાજે ભાગી છુટયા હતા.
તસ્કરો તિજોરીમાંથી રોકડા રૂપિયા 25 હજાર, સવા તોલાની સોનાની ચેન અને બુટ્ટી ચોરી ગયા હતા જ્યારે બળવંતસિંહ રાઠોડ ના મકાનની ત્રણ તિજોરી તોડીને 4 હજાર રોકડા અને બે વીંટી સહીત કુલ 88 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જ્યારે અન્ય બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા તેમાંથી કેટલી ચોરી થઈ છે તે પોલીસ તપાસમાં બહાર આવશે સમગ્ર મામલે ડેસર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા વધુ તપાસ હાથ ધરી હતી