ગુજરાતના ખેડૂતો સાથે સીધો અને સઘન સંવાદ સ્થાપિત કરવાની પહેલની જાહેરાત.
- વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો.
- રાજ્યપાલે જણાવ્યું કે તેઓ પોતે ખેડૂત છે અને હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે ગુરુકુળનું સંચાલન કરે છે.
- ગુજરાતમાં મોટા ભાગના ખેતરોનો ઓર્ગેનિક કાર્બન આ સ્તરથી નીચે આવી ગયો છે.
- UNOના અહેવાલ અનુસાર, દુનિયાભરમાં ધરતી માતાના ઉત્પાદનક્ષમમાં 10% જેટલો ઘટાડો થયો છે.
વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ખાતે આજે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આતોજ્ન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓએ રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા 9 લાખ જેટલા ખેડૂતોના પ્રયત્નની પ્રસંશા કરી હતી .
રાજ્યપાલએ ગુજરાતના ખેડૂત સમુદાય સાથે સીધો અને સઘન સંવાદ સ્થાપિત કરવાની નવી પહેલની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, પાંચ વર્ષમાં દરેક જિલ્લાની મુલાકાત લીધા બાદ, હવે બીજો તબક્કો શરૂ થયો છે, જેમાં ગુજરાતના પ્રત્યેક તાલુકા સુધી પહોંચી ખેતરોમાં સીધો સંવાદ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. તેમણે નિયમ બનાવ્યો છે કે, જે ગામમાં તેઓ જશે, ત્યાં પંચાયત ભવન અથવા શાળામાં આખી રાત ગુજારશે અને ગામના લોકો સાથે રાત્રિ સભા યોજશે. આ સાથે જ, તેઓ ગામના અનુસૂચિત જાતિના પરિવારો સાથે બેસીને ભોજન લેશે, અને બીજા દિવસે સવારે ગૌ માતાનું દૂધ દોહવાનું કાર્ય પણ પોતે કરશે, જેથી ખેડૂતોને ખાતરી થાય કે તેઓ પોતે પણ એક ખેડૂત છે.
પોતાના ઉદ્દબોધનમાં, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતે ખેડૂત હોવાનો દાખલો આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુળનું સંચાલન કરે છે, જ્યાં 200 એકર જમીન અને 400 ગૌ માતાઓ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ છેલ્લા નવ વર્ષથી બિલકુલ શુદ્ધ પ્રાકૃતિક ખેતી કરે છે અને જમીનમાં એક ટીપું પણ યુરિયા, ડીએપી કે જંતુનાશકનો ઉપયોગ કરતા નથી. તેમણે ઉમેર્યું કે જેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે, તેમનું ઉત્પાદન ઓછું થવાને બદલે હવે વધી ગયું છે, જે આ પદ્ધતિની સફળતાનો જીવંત પુરાવો છે.
રાજ્યપાલએ રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોરતા જણાવ્યું કે જે ખેડૂતો રાસાયણિક ખેતી કરી રહ્યા છે, તેમની જમીન બંજર બની ચૂકી છે. કૃષિ વૈજ્ઞાનિકો અનુસાર, જે જમીનનો ઓર્ગેનિક કાર્બન (OC) 0.5 થી નીચે હોય, તે બંજર ગણાય છે. અને ગુજરાતમાં રાસાયણિક ખેતી કરતા મોટાભાગના લોકોના ખેતરોનો ઓર્ગેનિક કાર્બન 0.5 થી નીચે આવી ગયો છે. આ જમીનમાંથી જબરદસ્તી પેદાવાર લેવા માટે ખેડૂતોને દર વર્ષે યુરિયા, ડીએપી અને અન્ય રાસાયણિક ખાતરોની માત્રા વધારવી પડે છે.
તેમણે ચેતવણી આપી હતી કે યુરિયા, ડીએપી અને જંતુનાશકોએ ધરતીની ગુણવત્તા વધારનારા અને ખેડૂતના મિત્ર ગણાતા સૂક્ષ્મ જીવાણુઓ, અળસિયા અને મિત્ર કીટકોનો નાશ કર્યો છે. રાસાયણિક દવાઓ એટલી ઝેરી છે કે તે સાપ જેવા જીવને પણ મારી નાખે છે, તો પછી ધરતીને ઉપજાવ બનાવતા સૂક્ષ્મ જીવો કેવી રીતે બચી શકે? રાસાયણિક ખેતીને કારણે યુએનઓ (UNO)ના રિપોર્ટ મુજબ, વિશ્વભરમાં ધરતી માતાનું ઉત્પાદન 10% જેટલું ઘટી ગયું છે, અને જો આ પદ્ધતિ ચાલુ રહેશે તો ઉત્પાદન વધુ ઘટશે.