Savli

લાખોની કિંમતના કોપર રોલ સગેવગે થતા બચાવી લેવાયા

Published

on

  • તાજેતરમાં વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા ડેસર પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા ધનતેજ ગામના હનુમાન ટેકરે તપાસ કરવામાં આવી.

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ  દ્વારા લાખોની કિંમતના કોપર રોલ (બોબીન) સગેવગે થાય તે પહેલા જ પકડી પાડ્યા છે. ડેસર પોલીસ મથકની હદમાં આવતા ધનતેજ ગામે ગ્રામ્ય એલસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં એક આરોપીની અટકાયત કરવામાં સફળતા મળી છે. હાલ આ મામલે આરોપીને મુદ્દામાલ સાથે ડેસર પોલીસ મથકમાં લાવીને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા ગુનાખોરી ડામવા માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા ડેસર પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા ધનતેજ ગામના હનુમાન ટેકરે તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં વડોદરા ગ્રામ્ય એલસીબીના જવાનોને 12 જેટલા ભારેભરખમ કોપર રોલ મળી આવ્યા હતા. જે તમામ મળીને અંદાજીત 3 હજાર કિલોથી વધુનું કોપર રિકવર કરવામાં આવ્યું હતું.

Advertisement

બજારમાં કોપર ઉંચી કિંમતે વેચાય છે. આજની સ્થિતીએ અંદાજો લગાવીએ તો બજારમાં કોપરની ખરીદ કિંમત પ્રતિ કિલો રૂ. 700 આંકવામાં આવે છે. ઉપરોક્ત કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્ય એલસીબીએ રૂ. 21.12 લાખથી વધુની કિંમતનું કોપર જપ્ત કર્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

સુત્રોએ ઉમેર્યું કે, કાર્યવાહી દરમિયાન ધવલપ્રતાપ સોલંકી ઉર્ફે ધલીયોની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ મુદ્દામાલ સહિત આરોપીને ડેસર પોલીસ મથક લાવીને વધુ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આ કોપર રોલ ક્યાંથી આવ્યા, તેનું શું કરવાનું હતું, આમાં કોણ કોણ સામેલ છે, સહિતના અનેક સવાલોના જવાબો મેળવવાની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Trending

Exit mobile version