વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામ પાસે આવેલ પાઠશાળા નામની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી મૂળ રાજસ્થાનની 15 વર્ષીય વિદ્યાર્થીનીનું અગમ્ય કારણોસર મોત નિપજતા હોસ્ટેલ માં સાથી વિધાર્થીઓ સહીત શિક્ષકોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. સમગ્ર ઘટના અંગે મંજુસર પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લસુન્દ્રા ગામ પાસે આવેલ પાઠશાળા નામની હોસ્ટેલમાં રહેતી 15 વર્ષીય ખુશી તીરગર મૂળ રાજસ્થાનના બાંશવાળાની રહેવાસી હતી અને પાઠશાળા હોસ્ટેલમાં રહી ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. ખુશી અભ્યાસમાં પણ તેજસ્વી હતી. ત્યારે અચાનક ખુશીનું અગમ્ય કારણોસર હોસ્ટેલમાં મોત નિપજતાં ચકચાર મચી ગઈ હતી. વિધાર્થીની ના મોતની જાણ પરિવારજનો ને કરવામાં આવતા પરિવારની ખુશી છીનવાઈ ગઈ હતી અને પરિવાર હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પરિવારના રુદન થી સન્નાટો છવાઈ ગયો હતો.
પાઠશાળા હોસ્ટેલના સેક્રેટરી મોસમી દત્તાએ જણાવ્યું હતું કે, દર રવિવારે પાઠશાળામાં ટી સ્ટોલ કાર્યક્રમ થતો હોય છે. જેમાં ખુશી ડાન્સ કરવા માટે મ્યુઝિક સિસ્ટમ શરૂ કરવા માટે ગઈ હતી. અને અચાનક ત્યાં ઢળી પડી હતી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં તેનું મોત થયું હોવાનું તબીબો એ જણાવ્યું હતું. વીજળીનો વાયર તૂટેલો હતો એવી કોઈ જાણકારી મારી પાસે નથી અને પોલીસ પણ તપાસ કરી રહી છે. જોકે ગઈકાલે વરસાદ પડ્યો હતો એટલે ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા હતા.
સમગ્ર ઘટનાની જાણ મંજુસર પોલીસને કરવામાં આવતા મંજુસર પોલીસ મથકનો સ્ટાફ પાઠશાળા હોસ્ટેલ ખાતે દોડી આવ્યો હતો અને ખુશીના મૃતદેહનો કબ્જો લઇ મૃતદેહને પીએમ અર્થે સાવલીની જન્મોત્રી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક ખુશીના સાથી વિધાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું છે કે, ખુશીનું મોત કરંટ લાગવાના કારણે નીપજ્યું છે. જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે.