- ફિલ્મી પરદે ચમકતી પુષ્પાને મળતી આવતી ઘટના વડોદરાના વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જોવા મળી રહી છે.
વડોદરા ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માં ચંદનચોર ટોળકી વધુ એક વખત સક્રિય થઇ હોવાનું સામે આવ્યું છે. યુનિ.ની હેડ ઓફિસની પાછળના ભાગેથી બે ચંદનના ઝાડ ગાયબ થયા હોવાનું સપાટી પર આવ્યું છે. જેને પગલે યુનિ.માં સિક્યોરીટી સામે સવાલો ઉઠવા પામ્યા છે. અગાઉ પણ યુનિ.માંથી ચંદનના ઝાડની ચોરીની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. પરંતુ આજદિન સુધી કઇ પકડાયું નથી. જેથી સૌ કોઈના મનમાં સવાર છે કે, ચંદનચોર પુષ્પા પકડાશે ખરા..!
હાલમાં પુષ્પા ફિલ્મ (PUSHA FILM) નો બીજો ભાગ આવ્યો છે. પુષ્પા ફિલ્મ ચંદન ચોર પર આધારિત છે. જેમાં હિરો ચંદનની ચોરી કરીને તેને વેચી મારે છે. ત્યાં સુધી પોલીસના હાથે લાગતો નથી. જો કે, ફિલ્મી પરદાને મળતી આવતી ઘટના વડોદરાના વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જોવા મળી રહી છે. યુનિ.ના કેમ્પસ તથા ઓફિસ એરીયામાં ઘણા ચંદનના ઝાડ છે. ગાયકવાડી સાશનથી વડોદરામાં ચંદનના ઝાડ જોવા મળે છે. ચંદનનું લાકડું કિંમતી હોવાના કારણે તેની વિશેષ તકેદારી રાખવી પડતી હોય છે. જેમાં યુનિ.નું તંત્ર ઉણું ઉતર્યું છે.
યુનિ. કેમ્પસમાંથી અગાઉ પણ અનેક ચંદનના ઝાડની ચોરી થઇ છે. પરંતુ આ ઘટનામાં સામેલ કોઇનો પણ આજદિન સુધી પત્તો લાગી શક્યો નથી. તેવામાં આજે સવારે વધુ એક વખત ચંદનના ઝાડની ચોરીની ઘટના સામે આવી છે. યુનિ.ની હેડ ઓફિસની પાછળના ભાગે આવેલા બે ચંદનના ઝાડ તસ્કરો લઇને પલાયન થયા છે. યુનિ. સત્તાધીશો દ્વારા સિક્યોરીટી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાંય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કિમતી વસ્તુઓ સુરક્ષિત ના હોવાની વાતની પ્રતિતિ કરાવતા કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. હવે આ ચંદનના ઝાડની ચોરીના મામલે આગળ શું કાર્યવાહી થાય છે, અને કેટલા સમયમાં ચંદન ચોરો પકડાય છે, તે જોવું રહ્યું.