વડોદરા ગ્રામ્ય LCB દ્વારા બાતમીના આધારે કારમાં લાવવામાં આવી રહેલા વિદેશી શરાબના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડીને 5.91 લાખનો મુદ્દમાલ કબ્જે લીધો છે.
જીલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના આગમન બાદ ગુન્હાખોરી ડામવા માટે વડોદરા જીલ્લામાં “ઓપરેશન પરાક્રમ” શીર્ષક હેઠળ એક ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે. જેમાં ગુન્હેગારોને ઝડપી પાડવા માટે જીલ્લાની પોલીસ ટીમ વધુ એક્ટિવ થઈ છે.
આ દરમિયાન વડોદરા ગ્રામ્ય LCB ટીમને બાતમી મળી હતી કે, કેટલાક ઈસમો સફેદ રંગની સ્વીફ્ટ કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને NH48 પર પાલેજ ગામ તરફથી વડોદરા તરફ આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે ભરથાણા ટોલ પાસે વોચ ગોઠવીને GJ06 PK 7522 નંબરની સ્વીફ્ટ કારને ઝડપી પાડી હતી. કારમાં વિદેશી શરાબની પેટીઓ ભરેલો મળી આવી હતી. આ શરાબ ભરેલી કાર સાથે વડોદરાના મકરપુરા શાલિગ્રામ સોસાયટીમાં રહેતો યોગેશ નવીનભાઈ પ્રજાપતિ અને પાદરાના શામળકૂવા ખાતે રહેતા મનીષ પરમાર અને અજય સોલંકી પણ ઝડપાઇ ગયા હતા.
LCBએ 108 નંગ વિદેશી શરાબની બોટલો મોબાઈલ ફોન અને કાર મળીને 5.91 લાખનો મુદ્દમાલ કબ્જે લીધો છે. આ સાથે કરજણ પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.