ગોરવાના રહીશોનો રાવપુરા હાઉસિંગ બોર્ડમાં ડેરો: “મકાન નહીં તો અહીંથી હટીશું નહીં.”
કલાલી વુડના નામે છેતરાયા ગરીબો? 5000 ભરીને પણ હાથમાં આવી માત્ર ‘ધૂળ’.
એક નોટિસ અને આશિયાના સાફ! તંત્રની જોહુકમી સામે રહીશોનો સવાલ- “શું અમે ભારતીય નથી?”
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે ગરીબો સાથે મજાક થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગોરવા વિસ્તારના સેંકડો રહીશો આજે રસ્તા પર આવી ગયા છે. આક્ષેપ છે કે તંત્રએ રહેણાંકના મકાનો આપ્યા પહેલા જ લોકોના ઝૂપડા તોડી પાડ્યા. હવે સવાલ એ ઉઠે છે કે જો આ યોજના ગરીબો માટે છે, તો ગરીબો આજે રોડ પર કેમ છે?
આ દ્રશ્યો છે રાવપુરા હાઉસિંગ બોર્ડ કચેરીના, જ્યાં ગોરવાના રહીશો પોતાનો હક માંગવા પહોંચ્યા છે. તેમની વ્યથા સાંભળીને કોઈપણનું હૃદય દ્રવી ઉઠે. માત્ર એક જ નોટિસ આપીને વર્ષો જૂના ઝૂપડા જમીનદોસ્ત કરી દેવાયા, પણ રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાના નામે શૂન્ય!
છેતરામણીનો આક્ષેપ: રહીશોનું કહેવું છે કે, “અમારી પાસેથી 5-5 હજાર રૂપિયા લઈ 250 જેટલા ફોર્મ ભરાવાયા હતા. વચન અપાયું હતું કે કલાલી વુડમાં મકાન આપીશું. પણ ત્યાં જઈને જોયું તો હજુ કામ જ શરૂ થયું નથી!”
તંત્રની બેદરકારી: ફોર્મ જમા થયાને મહિનાઓ વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી નથી. કોર્પોરેશન જાણે ગરીબોનું અસ્તિત્વ જ ભૂલી ગયું હોય તેમ વર્તી રહ્યું છે.
“અમે કઈ બાંગ્લાદેશી નથી, અમે આ દેશના નાગરિક છીએ. તંત્ર પોતાના જ લોકોને હેરાન કરી રહ્યું છે. જો પીએમ આવાસ યોજના ગરીબો માટે હોય, તો આજે અમારા છોકરાઓ રોડ પર કેમ સૂવે છે? જ્યાં સુધી મકાનનો કબજો નહીં મળે, ત્યાં સુધી અમે હાઉસિંગ બોર્ડની કચેરી ખાલી નહીં કરીએ. આ અમારો પડકાર છે!”
🫵વડોદરા કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડની આ ઉતાવળી કામગીરીએ સેંકડો પરિવારોને પાયમાલ કરી દીધા છે. એક તરફ મકાનો તૈયાર નથી અને બીજી તરફ ગરીબોના આશિયાના તોડી પડાયા. આ તે કેવો વિકાસ જેમાં ગરીબના માથે છત જ ન રહે? હવે જોવાનું એ રહે છે કે શું તંત્ર આ રહીશોની વહારે આવશે કે પછી આ આક્રોશ વધુ ઉગ્ર બનશે.