Vadodara

જનતાનો આક્રોશ: “કોર્પોરેટરના ઘરે ગંદા પાણી મોકલીશું”; અકોટામાં ગટરની સમસ્યા મુદ્દે રહીશોનું અલ્ટીમેટમ

Published

on

  • નરકાગાર જેવી સ્થિતિ: અકોટાના સુબેદાર કંપાઉન્ડમાં છેલ્લા કેટલાય દિવસથી ગટરો ઉભરાઈ; રસ્તા પર ગંદા પાણીના રેલમછેલ.
  • રોગચાળાની દહેશત: ગંદકી અને મચ્છરોના ત્રાસથી નાના બાળકોના સ્વાસ્થ્ય સામે ખતરો; વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાવવાની ભીતિ.
  • અનોખો વિરોધ: ઉકેલ નહીં આવે તો પાલિકા કચેરી અને કોર્પોરેટરોના ઘરે ગટરના પાણી પહોંચાડવાનું રહીશોનું એલાન.
  • નેતાઓ સામે રોષ: 200 મીટરના અંતરે જ પૂર્વ કોર્પોરેટરોના ઘર છતાં સમસ્યા જસની તસ; માત્ર વાયદા આપતા હોવાનો આક્ષેપ.

વડોદરા: સ્માર્ટ સિટી વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ ગણાતા અકોટામાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. અકોટાના સુબેદાર કંપાઉન્ડ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી ગટરની લાઈનો ચોકઅપ થઈ જતાં ગંદા પાણી નદીની જેમ રસ્તાઓ પર વહી રહ્યા છે. સ્થાનિકો આ ગંદકીના સામ્રાજ્યમાં રહેવા મજબૂર બન્યા છે.

🤨રોજિંદી તકરાર અને હાલાકી:

રસ્તા પર ગટરના પાણી ભરાઈ રહેવાથી પસાર થતા વાહનોને કારણે રહીશો પર ગંદા પાણીના છાંટા ઉડે છે, જેને પગલે અવારનવાર વાહનચાલકો અને રહીશો વચ્ચે તકરારના દ્રશ્યો સર્જાય છે. ગટરના પાણીના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે અને મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ-મેલેરિયા જેવા રોગોનો ભય રહીશોને સતાવી રહ્યો છે.

🧐તંત્ર અને નેતાઓ સામે હલ્લાબોલ:

રહીશોનો આક્ષેપ છે કે આ વિસ્તારથી માત્ર 200 મીટરના અંતરે જ પૂર્વ કોર્પોરેટરોના નિવાસસ્થાનો આવેલા છે, છતાં પણ આ ગંભીર પ્રશ્નનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. વારંવારની રજૂઆતો બાદ માત્ર ખોટા વાયદાઓ જ મળતા હોવાથી હવે લોકોની ધીરજ ખૂટી છે.

🫵સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ગટરની સફાઈ અને નિકાલ કરવામાં નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને આ ગટરના ગંદા પાણીની ડોલો ભરીને પાલિકા કચેરી તેમજ સ્થાનિક કોર્પોરેટરોના ઘરે પહોંચાડી વિરોધ પ્રદર્શન કરશે.

Trending

Exit mobile version