વડોદરાના પીડિત યુવકના કહેવા અનુસાર, આ જગ્યાએ વિતેલા 24 કલાકમાં એક્સિડન્ટની પાંચ ઘટનાઓ સામે આવી છે. જે ખરેખર ચિંતાજનક છે.
- હાઇવે પરના ખાડાના કારણે એક્સિડન્ટ ઝોન સર્જાયો
- વરણામાં પાસે આવેલી આઇમાતા હોટલ પાસે અનેક અકસ્માતની ઘટના સામે આવી
- અકસ્માત પીડિત યુવકે હાઇવે ઓથોરીટી પાસેથી વળતર માંગવાની તૈયારી કરી
વડોદરામાં ચોમાસામાં શહેર અને હાઇવે પર ખાડા પડ્યાની સમસ્યાઓ વ્યાપક પ્રમાણમાં સામે આવી હતી. જેનું લાંબા ગાળાનું સમાધાન મેળવવામાં તંત્રને સફળતા મળી નથી. જેને પગલે લોકો રોજબરોજ ભોગવી રહ્યા છે. આ વચ્ચે વડોદરા પાસે આવેલા વરણામામાં હાઇવે પર મોટા ખાડા પડવાના કારણે એક્સિડન્ટ ઝોન સર્જાયો છે. રોજ આ ખાડાના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આજે સવારે ખાડામાં પડેલા યુવકને પગમાં મોટી ઇજા થતા તેણે હાઇવે ઓથોરીટી સમક્ષ વળતરની માંગણી કરવાની તૈયારી દર્શાવી છે. યુવકના શરીરના ભાગે છોલાઇ જતા સોળ પડી ગયા છે. અને પગમાં લાંબા ગાળાનો પાટો આવ્યો છે. યુવકના કહેવા અનુસાર, આ જગ્યાએ વિતેલા 24 કલાકમાં એક્સિડન્ટની પાંચ ઘટનાઓ સામે આવી છે. જે ખરેખર ચિંતાજનક છે.
ભોગ બનનાર યુવક આશિષ બારોટે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હું વરણામાંથી ઘરે જઇ રહ્યો હતો. તે દરમિયાન વરણામાં આઇમાતા હોટલ પાસે મોટો ખાડો આવતા જ મારી બાઇકનું સંતુલન ગુમાવ્યું હતું. અને હું ગુલામટી ખાઇને પડ્યો હતો. છેલ્લા 6 મહિનાથી હાઇવે પર આ ખાડો આવ્યો છે. હાઇવે ઓથોરીટી દ્વારા આ ખાડો પુર્યો નથી. આ ખાડામાં વિતેલા 24 કલાકમાં 5 અકસ્માત થયા છે. તે પૈકી બે ઇજાગ્રસ્તો હાલ આઇસીયુમાં સારવાર હેઠળ છે. તેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હું બચી ગયો છું. હું પડ્યો ત્યારે હોટલ પર હાજર લોકો મારી મદદે દોડી આવ્યા હતા. પાછળથી આવતા આઇસર ટેમ્પોએ બ્રેક મારી હતી.
પીડિતે વધુમાં જણાવ્યું કે, રોજ કોઇકને કોઇક આ ખાડામાં પડે છે. નજીકમાં જ હાઇવે ઓથોરીટીની ઓફિસ આવેલી છે. છતાં કોઇ ખાડા પુરતું નથી. અમે આ મામલે કોર્ટમાં કેસ કરવાના છીએ. અમારે વળતર જોઇએ છે. પીડિતના માતાએ જણાવ્યું કે, મારો પુત્ર પડ્યો તેની જાણ થતા તેને હું ઘરે લઇ ગઇ હતી. ત્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ ખાડામાં અમારી બાજુની સોસાયટીમાં રહેતા યુવકના વાહનોના ટાયર ફાટી ગયા હતા. તેઓ એસએસજી હોસ્પિટલના આઇસીયુમાં સારવાર લઇ રહ્યા છે.