Vadodara

“વડોદરામાં પોલીસની નિષ્ફળતા સ્પષ્ટ: નાગરિકો જ હવે બુટલેગરોને પકડી પોલીસને શરાબનો જથ્થો સોંપે છે”

Published

on

વડોદરાના જાગૃત નાગરિકોની સહભાગીતાની સાર્થકતા દર્શાવે છે. જેથી અમદાવાદ—ઉદયપુરથી આવેલો શરાબનો જથ્થો પોલીસના હવાલે સોંપવાનું શક્ય બન્યું.

  • બુટલેગિંગ સામે સ્થાનિક સ્તરે જાગૃતિ અને જવાબદારી વધતી જાય છે.
  • પાર્સલ પર શંકા: ઉદયપુરથી આવેલું, બુટલેગર લેવા આવ્યા.
  • તરસાલી વિસ્તારમાં શ્રીનાથ કાર્ગોના માલિકે શંકાસ્પદ પાર્સલ અંગે પોલીસને જાણ કરી.

વડોદરામાં પોલીસની નિષ્ફળતાના પુરાવાઓ હવે સામાન્ય નાગરિકો પણ આપી રહ્યા છે. શહેરમાં ચાલતા બેફામ શરાબની હેરાફેરી હવે જાગૃત નાગરિકો દ્વારા પણ ઝડપી પાડવામાં આવે છે. શહેરના તરસાલી વિસ્તારમાં શ્રીનાથ કાર્ગોના માલિકને ઉદયપુરથી આવેલા પાર્સલ પર શંકા જતા પાર્સલ લેવા આવેલા બુટલેગરોને પાર્સલ આપ્યું ન હતું. અને પોલીસને જાણ કરીને પાર્સલમાં આવેલો શરાબનો જથ્થો પોલીસને સોંપી દીધો હતો.

વડોદરામાં બેફામ રીતે વિદેશી શરાબની હાટડીઓ ધમધમે છે. પોલીસના બની બેઠેલા વહીવટદારોના નામ જાહેરમાં ચર્ચામાં આવ્યા ત્યાર બાદ પોલીસને બુટલેગરો પર કાર્યવાહી કરવાની યાદ આવે છે. હવે જ્યારે વહીવટદાર વિવાદ શાંત થયો છે ત્યારે બુટલેગરો ફરી ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યા છે. પણ હવે તો નાગરિકો પણ જાગૃત થઈને શરાબની હેરાફેરી ઝડપીને તૈયાર કેસ પોલીસની થાળીમાં પીરસી આપે છે.

શહેરના તરસાલી વિસ્તારમાં શ્રીનાથ કાર્ગો નામક ટ્રાન્સપોર્ટમાં ઉદયપુર રાજસ્થાનથી એક પાર્સલ આવ્યું હતું. ટ્રાન્સપોર્ટ માલિક ક્રિષ્નાભાઈને પાર્સલ પર શંકા જતા પાર્સલને સાઈડ પર મુકાવી દીધું હતું. ગત સવારે કેટલાક લોકો પાર્સલ છોડાવવા આવ્યા હતા. જ્યારે પાર્સલમાં શંકા છે એટલે આપી શકાય તેમ નથી તેવું કહીને પાર્સલ લેવા આવેલા બુટલેગરોને પાર્સલ આપ્યું ન હતું. ત્યાર બાદ ટ્રાન્સપોર્ટરે પોલીસને જાણ કરતા PCBનો સ્ટાફ પહોંચ્યો હતો. જ્યારે પાર્સલ માંથી 50 જેટલી વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી.

PCBને ટ્રાન્સપોર્ટરે શરાબનો જથ્થો પકડીને આપી દીધો હતો. જ્યારે PCBએ અજાણ્યા બુટલેગરો વિરુદ્ધ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, પોલીસની આટ આટલી એજન્સીઓ કાર્યરત હોવા છતાંય શરાબના સપ્લાય પર કોઈ રોક લાગતી નથી. જ્યારે હવે જાગૃત નાગરિકો જ પોલીસનું કામ કરી રહ્યા છે!

Trending

Exit mobile version