- ગત મોડી રાત્રે વડોદરામાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો, આ વાવાઝોડામાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો
- વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વિજળી ગુલ
- બફારા સાથેની ગરમીમાં શેકાયા બાદ નાગરિકો વિજ કચેરી પહોંચ્યા
- છાણી ગામ અને કારેલીબાગની વિજ કચેરીએ કોઇ કર્મચારી હાજર ના મળ્યું
વડોદરા માં ગત મોડી રાત્રે મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદે એન્ટ્રી લીધી હતી. જેને પગલે અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ હતી. છાણી અને કારેલીબાગ વિસ્તારોના કેટલાક ભાગોમાં તો મોડી રાત સુધી લાઇટોના કોઇ ઠેકાણા ન્હતા. આખરે લોકો સ્થાનિક વિજ કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમની ફરિયાદ સાંભળવા માટે કોઇ હાજર ન્હતું. બંને જગ્યાએ કચેરીમાં લાઇટ અને પંખા ચાલુ હતા. પરંતું વિજ કંપની તરફે કોઇ પણ માણસ જવાબ આપવા હાજન ન્હતું. એટલું જ નહીં કારેલીબાગ વિજ કચેરીએ તો ફોન સતત રણકતા હતા. તેનો પણ જવાબ આપવામાં આવતો ન્હતો.
વડોદરામાં વરસાદ આવે ત્યારે ખાસ વિજળીની મોકાણ સર્જાતી હોય છે. વિજળી ગુલ થયાના કલાકો સુધી નાગરિકોએ તેની વાટ જોવી પડતી હોય છે. આ અંગે જાણવા સ્થાનિક વિજ કચેરીએ ફોન કરીએ તો કોઇ તે રીસીવ કરતું નથી. લોકોએ નાછુટકે ભગવાન ભરોસે રહેવાનો વારો આવે છે. હાલ ઉનાળાની ગરમી પડી રહી છે, એ વચ્ચે ગત મોડી રાત્રે વડોદરામાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. આ વાવાઝોડામાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેને પગલે અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ હતી. વરસાદ બાદ બફારો વધતા લાઇટો વગર લોકો મોડી રાત સુધી ગરમીમાં શેકાયા હતા.
આ વચ્ચે કારેલીબાગ અને છાણી ગામમાં આવેલી વિજ કંપનીની કચેરીએ વરવા દ્રશ્યો સામે આવ્યા છે. મોડી રાત સુધી લાઇટોના ઠેકાણા નહીં જણાતા સ્થાનિકો વિજ કચેરીઓ પહોંચ્યા હતા. બંને વિજ કચેરીમાં લાઇટો પંખા ચાલુ હતા, પરંતુ સ્થાનિકોને જવાબ આપવા માટે અથવા તેમની ફરિયાદ લેવા માટે કોઇ હાજર ન્હતું. કારેલીબાગ વિજ કચેરીમાં તો ફરિયાદ માટેના ફોન સતત રણકી રહ્યા હતા. પરંતુ તેનો જવાબ આપવા સુદ્ધાં કોઇ હાજર ન્હતું. જેને પગલે ગરમીમાં શેકાયેલા નાગરિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. દર વખતે વરસાદ પડે ત્યારે વિજ કંપનીની આ પ્રકારે લાલીયાવાડી સામે આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કારેલીબાગ સ્થિત વિજ કચેરી અગાઉ પણ વિવાદોમાં આવી ચુકી છે. વરસાદ બાદ આ વિસ્તારમાં મોડી રાત સુધી લાઇટો ગુલ થઇ જાય છે. જ્યારે લોકો ફરિયાદ કરવા કચેરી પહોંચે ત્યારે તેમને જવાબ આપવા કોઇ હાજર હોતું નથી. અગાઉ લાંબા સમય સુધી લાઇટો ગુલ રહેતા વિજ કંપનીના કર્મચારીઓ ફોન બાજુ પર મુકી દીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા થકી સામે આવ્યો હતો.