Padra

શિક્ષણકર્મ અને ઉદ્દાતભાવથી સમગ્ર લુણા ગામને પરિષ્કૃત કરતા શિક્ષિકા સોનલબેન પઢિયાર

Published

on

  • લોકસહયોગથી શાળામાં વિજ્ઞાન પ્રયોગશાળા અને દીકરોઓ માટે સીવણ-બ્યુટીપાર્લરના વર્ગો શરૂ કર્યા
  • આર્થિક અસક્ષમ બાળકીઓને દત્તક લઇ અભ્યાસ કરાવી ખરા અર્થમાં ગુરુ બનતા સોનલબને પઢિયાર
  • એન્કરિંગની પોતાની કલાથી થતી પૂરક આવક આવકો સોનલબેન શાળા અને બાળકોના હિત માટે વાપરે છે

પાદરા તાલુકાના લુણા ગામની પ્રાથમિક શાળામાં એક દીકરી અભ્યાસ કરવા આવે. વર્ગખંડમાં તે ક્યારેક સુનમુન તો ક્યારેય ગુસ્સે થઇ સહપાઠી સાથે ઝઘડો કરી બેસે. આ વાત વર્ગ શિક્ષકને ધ્યાને આવી તો તેમણે છાત્રાના પરિવારની તપાસ કરાવાતા માલૂમ પડ્યું કે દીકરી છત્રછાયા વિનાની છે. આ શિક્ષિકાએ એ દીકરીની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી અને તેમનું પ્રાથમિક શિક્ષણ પૂરૂ કરાવી આગળ અભ્યાસ માટે મોકલી આપી. આ શિક્ષિકા એટલે સોનલબેન પઢિયાર. જેમની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઇ છે.

એક શિક્ષક માત્ર તેમના પોતાના સંતાનોના જ નહીં પણ શાળાના અભ્યાસ કરતા તમામ બાળકોના વાલી હોય છે, એ વાતને ચરિતાર્થ કરતા સોનલબેન પઢિયારે તેમના સહકર્મી શિક્ષકો સાથે મળી લુણા પ્રાથમિક શાળાને પરિવાર બનાવી દીધો છે.

ઉક્ત છાત્રા જેવો બીજો પણ કિસ્સો છે. એક પરિવારમાં પાંચ દીકરીઓના જન્મ થયા બાદ પુત્રનો જન્મ થયો. પણ એ પહેલા પિતા પરિવારને છોડીને જતાં રહ્યા. તેમની બે દીકરોઓ શાળામાં અભ્યાસ કરતી હતી. આ વાત સોનલબેન અને શાળાના પરિવારને ધ્યાને આવી. તેમણે બન્ને દીકરોઓનો શિક્ષણ ખર્ચ ઉઠાવી લીધો, ઉપરાંત પરિવારને રાશન આપવાના સ્વરૂપે મદદ પણ કરી. ગામની એક શાળા સમક્ષ હોય અને શાળાના શિક્ષકો જીંદાદિલ હોય તો સમગ્ર સમાજ પરિષ્કૃત થઇ જાય છે.

સરકારી શાળા અને તેના શિક્ષકો ગામમાં કેવું પરિવર્તન લાવી શકે તેનું ઉદાહરણ લુણા પ્રાથમિક શાળા છે. શાળાના શિક્ષિકા દિવ્યાંગ હોવા છતાં, ૪૨ વર્ષીય સોનલબેન પઢિયાર છેલ્લા ૧૫ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કામગીરી આપી રહી છે અને છેલ્લા ૪ વર્ષથી લુનાની શાળામાં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવી રહ્યા છે.

શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગો કરવા માટે તેઓ જાણીતા છે. શાળામાં તેમણે લોકસહકારથી શાળામાં લાઈવ મોડલ સાથે સાયન્સ લેબ, સ્માર્ટ વર્ગો, લાઈબ્રેરી, તેમજ છોકરીઓ માટે સીવણ અને બ્યુટી પાર્લરના વર્ગો શરૂ કર્યા છે. વિશેષ વાત તો એ છે કે સોનલબેન પોતે એન્કરિંગ કરવાનો શોખ ધરાવે છે. આ કામ માટે મળતું મહેનતાણુ બહુધા શાળા અને બાળકોના હિત માટે ખર્ચ કરે છે. સરકાર દ્વારા લેવાતી વિવિધ પરીક્ષામાં સોનલબેનના છાત્રો સારૂ પ્રદર્શન કરી છાત્રવૃત્તિ મેળવે છે.

સોનલબેન કહે છે કે, હું શિક્ષણમાટે માત્ર એક કારકૂન નથી, હું દરેક બાળકને પોતાની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છું. શાળાને માત્ર ભણાવવાનું કેન્દ્ર નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું માધ્યમ બનાવવું એ મારો ઉદ્દેશ છે. આ એવોર્ડ મને વધુ ઉત્સાહ આપે છે અને સાથે સાથે વધુ જવાબદારી પણ આપે છે.” શાળાના તમામ છાત્રો અમારા જ બાળકો છે.

શાળાના આચાર્ય નર્મદાબેન વાઘેલા, સહકર્મીઓ અને સમગ્ર શાળા પરિવાર તરફથી તેમના કાર્ય માટે પ્રશંસા કરવામાં આવી છે. શિક્ષિકા સોનલ પઢિયાર માત્ર શિક્ષક નથી, પરંતુ સમાજ માટે એક પ્રેરણાસ્ત્રોત બની છે, જેમણે શિક્ષણને સેવા અને સંસ્કાર સાથે જોડ્યું છે.

Trending

Exit mobile version