Padra

પાદરાના સરસવણી ગામમાં રાત્રે માનવ વસાહતમાં ઘૂસેલા ખુંખાર મગરનું સફળ રેસ્ક્યુ

Published

on

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સરસવણી ગામમાં રાત્રિના સમયે એક ખુંખાર મગરની હાજરીથી ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું, અને રાત્રે બહાર નીકળવું જોખમી.

  • ગામના સરપંચે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત પ્રાણી જીવરક્ષક સંસ્થાની હેલ્પલાઈનનો સંપર્ક કર્યો.
  • ગામમાં લાઈટોના અભાવે, ટીમે ટોર્ચના અજવાળે રેસ્ક્યુ કામગીરી કરી, જે એક મોટો પડકાર હતો.
  • ત્રણ રેસ્ક્યુ ટીમના સભ્યોએ સાવચેતીપૂર્વક મગર પર બેસીને તેને સંપૂર્ણપણે કાબૂમાં લીધો.

પાદરા: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સરસવણી ગામમાં ફરી એકવાર ખુંખાર મગર દેખાતા સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાયો હતો. રાત્રિના સમયે માનવ વસાહતની નજીક મગર ફરતો હોવાની ઘટનાએ ગામલોકોને રાત્રે બહાર નીકળવું જોખમી બનાવી દીધું હતું. પરિણામે, બાળકો અને વૃદ્ધોને ખાસ ચેતવણી સાથે ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી હતી.

​ગામના સરપંચે આ વધતી દહેશતને ગંભીરતાથી લઈને તાત્કાલિક પ્રાણી જીવરક્ષક સંસ્થાની હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો.

​જાણ મળતા જ સંસ્થાની અનુભવી રેસ્ક્યુ ટીમ રાત્રે જ ગામે પહોંચી હતી અને માનવ વસાહતમાં લટાર મારતા મહાકાય મગરને પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, ગામમાં લાઈટો ન હોવાથી, રેસ્ક્યુ ટીમે ટોર્ચના અજવાળે કામગીરી હાથ ધરી હતી.

​ટીમે મહાકાય મગરના ગળે ગાળિયો નાખતા જ મગર વિફર્યો હતો અને વધુ ખુંખાર બનીને એક પછી એક ગુલાંટ મારવા લાગ્યો, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી.

​મગરને શાંત પાડવા માટે રેસ્ક્યુ ટીમે તેની આંખો પર સતત ટોર્ચથી લાઇટ મારી હતી. ભારે જહેમત બાદ ટીમે બે ચાદરો વિફરેલા મગરની આંખો પર નાખવામાં સફળતા મેળવી.

​ત્યારબાદ, એક પછી એક ત્રણ રેસ્ક્યુ ટીમના સભ્યો સાવચેતીપૂર્વક મગર પર બેસી ગયા અને તેને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધો. મગરનો આકસ્મિક અને જોખમી સ્વભાવ હોવા છતાં, ટીમની કુશળતા અને હિંમતથી આખી પ્રક્રિયા સલામત રીતે પૂરી થઈ.

લાંબી મહેનત અને સાવચેતી બાદ મગરને કાબૂમાં લઈને પ્રાણી જીવરક્ષક સંસ્થાએ તેને વન વિભાગને સોંપ્યો હતો. વન વિભાગ દ્વારા હવે મગરની સ્થિતિની તપાસ કરીને તેને સુરક્ષિત સ્થળાંતરણ માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

​આ સફળ રેસ્ક્યુ ઓપરેશનથી સરસવણી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Trending

Exit mobile version