Padra

‘લોકલ ફોર વોકલ’ ઢોલના ધબકારે ધબકતો પાદરાના શ્રેયશભાઈ ડબગરના પરિવારનો પરંપરાગત વાજિંત્ર ઉદ્યોગ

Published

on

નવરાત્રી જેવા પરંપરાગત તહેવારમાં ઓક્ટોપેડ જેવી મ્યુઝિક સિસ્ટમ સામે તબલા જેવા વાજિંત્રોની લોકપ્રિયતા અકબંધ

  • ઢોલના ધબકારે ધબકતો પાદરાના શ્રેયશભાઈ ડબગરના પરિવારનો પરંપરાગત વાજિંત્ર ઉદ્યોગ
  • તબલાવાળા પરિવારનો ઢોલ: જ્યાં ગુંજે છે સંસ્કૃતિના સૂર અને ‘લોકલ ફોર વોકલ’નો સંકલ્પ

‘ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે….’ આ ગરબો વાગતો હોય અને ઢોલકનો ધબકાર સંભળાતો હોય તો કોઈ પણ ગરબા રસિકના પગ સ્થિર ન રહે. ગુજરાતમાં નવરાત્રીમાં ગરબાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ ઢોલકનું ગરબામાં છે.

નવરાત્રિની રાતોમાં ગરબાનો તાલ માત્ર પગલાંથી જ નહિ, પણ ઢોલના ગુંજારવથી સર્જાય છે. આધુનિક યુગમાં જ્યાં ઈલેક્ટ્રોનિક્સ વાજિંત્રો અને ડીજેનું ખૂબ ચલણ છે, ત્યાં પણ પાદરાના ડબગર પરિવારે ગરબાના હ્રદયસમા ઢોલક સહિત પરંપરાગત વાજિંત્રોની કળાને જીવંત રાખી છે.

Advertisement

પાદરા નગરના ગોવિંદપુરા જકાતનાકા પાસે નવા એસ.ટી.ડેપોની ડાબી બાજુમાં વળો ત્યાં તમને દુકાનમાં નવીનભાઈના દિકરા શ્રેયશભાઈ સાથે તેમનો પરિવાર તબલા અને ઢોલકને સજાવવામાં ઓતપ્રોત જોવા મળે. છેલ્લા ૬૫ વર્ષથી અને પાંચમી પેઢી વાજિંત્રોની બનાવટ અને વેચાણ સાથે જોડાયેલો છે.

ડબગર પરિવારના ઇલાબેન જણાવે છે કે, વર્ષ ૧૯૬૦થી તેમનો પરિવાર ઢોલક, તબલા, હાર્મોનિયમ, કચ્છી ઢોલ, નાસિક ઢોલ, ખંજરી, મંજીરા, કરતાલ, ડમરુ, અને ડાકલી જેવા વિવિધ વાજિંત્રો બનાવે છે. ભજનમંડળીઓ, શેરી ગરબા અને પરંપરાગત રીતે ગરબા વૃંદો આજે પણ તેમના વાજિંત્રો ખરીદવા અને સમારકામ કરાવવા આવે છે.

વધુમાં ઉમેરતાં દિવ્યાબેન જણાવે છે કે, પહેલા લગ્ન પ્રસંગોમાં બેન્ડ અને ગરબામાં ઢોલક અને વાજિંત્રોનાં ઉપયોગના કારણે બહુ મોટા પ્રમાણમાં ધંધો થતો હતો. હવે ઓક્ટોપેડ જેવી આયાતી મ્યુઝિક સિસ્ટમના આવવાથી તેમના ધંધા પર તેની ખૂબ જ માઠી અસર પડી છે. તેમ છતાં, તેઓ હિંમત હાર્યા નથી અને અવિરત પણે તેમના પરંપરાગત વ્યવસાયને જાળવી રાખ્યો છે.

વડોદરાના બિલ ગામથી આવતા એક ગ્રાહક કહે છે કે, તેઓ છેલ્લા ૧૦ વર્ષથી શ્રેયસભાઈના ત્યાંથી જ વાજિંત્રો ખરીદે છે. આ સાથે, તેમણે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અપીલ પણ કરી, જેથી આવા પરંપરાગત કારીગરોને ટેકો મળી રહે.

નવરાત્રીમાં ઢોલનું મહત્ત્વ અજોડ છે. ઢોલ માત્ર એક વાદ્ય નથી, પણ ગરબાના હૃદયનો ધબકાર છે. જ્યારે ઢોલ પર થપાટ પડે છે, ત્યારે જાણે ધરતી ધબકી ઊઠે છે. તેનો ગુંજારવ સાંભળીને ગરબે ઘૂમનારના પગ આપોઆપ તાલ પકડે છે. ત્યારે ઇલેક્ટ્રિક મ્યુઝિક સિસ્ટમ તેનો વિકલ્પ બનવો અશક્ય લાગે છે.

Advertisement

નવરાત્રી જેવો પરંપરાગત તહેવાર પણ હવે ડીજેના શોરમાં ગરકાવ થઈ રહ્યો છે. જેના કારણે ઢોલ-તબલા જેવા લોકસંગીત સાધનોનું મહત્વ ઘટી રહ્યું છે. ગુજરાતમાં શ્રેયસભાઈ સહિત વાજિંત્ર બનાવનાર ડબગર સમાજના અનેક લોકો હજી પણ પેઢીઓથી પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્યારે સ્વદેશી ઉત્પાદનોની ખરીદીનો આગ્રહ રાખી તહેવારો-ઉત્સવોમાં આવા પરિવારોને પરંપરા અને આવડતને પ્રોત્સાહિત કરવી જોઈએ.

ડબગર પરિવારનો આ પરંપરાગત વ્યવસાયનો માત્ર તેમની ઓળખ નથી, પરંતુ પરંપરા, કળા અને ‘લોકલ ફોર વોકલ’ નો સંકલ્પ પણ છે. જ્યારે શ્રેયસભાઈ કામ કરી રહ્યા હતા, ત્યારે તેમનું સંતાન પણ ઢોલ અને નગારા સાથે રમતું જોવા મળ્યું. આ દ્રશ્ય દર્શાવે છે કે આ પરંપરાની છઠ્ઠી પેઢી પણ આ વારસાને આગળ વધારવા માટે તૈયાર થઈ રહી છે.

આ ગરબાની સિઝનમાં “ઢોલ વાગે ઢમ ઢમ ઢમ ઢોલ વાગે, રમે અંબે મા..”, “ઢોલી તારો ઢોલ વાગે” , ‘વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ’ – જેવા ગરબા પર ગરબે ઝૂમતી વખતે ખેલૈયાઓ આ વાજિંત્રો બનાવનારા કારીગરોની મહેનત અને કળાને યાદ કરો અને તેમને ટેકો આપીને આપણી સંસ્કૃતિને જીવંત રાખવામાં મદદ કરીએ.

Advertisement

Trending

Exit mobile version