- કૌભાંડનો પર્દાફાશ: સ્ટોક ઓડિટ દરમિયાન રેકર્ડ અને હાજર સાધનોમાં મોટો તફાવત જણાતા ચોરીનો આખો મામલો સામે આવ્યો હતો.
- ડ્રાઈવરની સંડોવણી: સીસીટીવી ફૂટેજની તપાસમાં ટેમ્પા ડ્રાઈવર દર્શન કંચનભાઈ વસાવા ડિલિવરી માટે નિર્ધારિત સાધનો કરતા વધુ માલ ટેમ્પામાં ચોરીછૂપીથી મુકતા રંગેહાથ પકડાયો હતો.
- 17 લાખની ચોરી: છેલ્લા 8 મહિનામાં કુલ 30 એસી અને 15 એલઈડી ટીવી મળીને કુલ 17.17 લાખ રૂપિયાના સાધનોની ચોરી.
- પોલીસ ફરિયાદ: કંપનીના મેનેજરની ફરિયાદને આધારે પોલીસે આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના પદમલા વિસ્તારમાં આવેલા એક જાણીતા ઈલેક્ટ્રોનિક્સ શોરૂમના ગોડાઉનમાંથી લાખો રૂપિયાના સાધનોની ચોરી થવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ચોરી કોઈ બહારની વ્યક્તિએ નહીં, પરંતુ કંપનીના જ એક ટેમ્પા ડ્રાઈવરે છેલ્લા 8 મહિના દરમિયાન અંજામ આપ્યો હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે.
‘વિજય સેલ્સ ઇન્ડિયા’ના પદમલા ગોડાઉનના ક્લસ્ટર મેનેજર નિકુંજ પાઠકે છાણી પોલીસને આપેલી ફરિયાદ મુજબ, સ્ટોકની નિયમિત ગણતરી દરમિયાન રેકોર્ડ અને સ્ટોકમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. શંકા જતાં કંપનીએ તાત્કાલિક ઓડિટ કરાવ્યું અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. ફૂટેજમાં ટેમ્પા ડ્રાઈવર દર્શન કંચનભાઈ વસાવા ડિલિવરી માટે નિર્ધારિત સાધનો કરતાં વધુ 10 એસી અને 1 એલઈડી ટીવી ટેમ્પામાં લોડ કરતો નજરે પડ્યો હતો.
🚨8 મહિનામાં 17 લાખનો ચૂનો:
કંપનીએ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે, ડ્રાઈવર દર્શને છેલ્લા 8 મહિનામાં કુલ 30 એસી અને 15 એલઈડી ટીવીની ચોરી કરી છે. આ સાધનોની કુલ કિંમત 17.1યુ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. હાલ આ મામલે પોલીસે ડ્રાઈવર દર્શન વસાવા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
👮પોલીસ તપાસનો દોર
માત્ર એક ડ્રાઈવર આટલા મોટા પાયે કેવી રીતે ચોરી કરી શકે અને આ ચોરીના માલનું શું થયું? તે દિશામાં છાણી પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ કંપની દ્વારા અન્ય સીસીટીવી ફૂટેજની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ ખુલાસો થઈ શકે.
🧐કંપનીના વિશ્વાસનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાનો ચૂનો લગાવનાર આ ડ્રાઈવરની ધરપકડ બાદ હવે આ કૌભાંડના અન્ય કયા પાસાઓ બહાર આવે છે તે જોવું રહ્યું.