- આ તકે અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો હાજર રહ્યા હતા. તળાવોની આસપાસમાં દબાણોને લઇને સરકાર સખ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે
વડોદરા માં પ્રાચિન મહત્વ ધરાવતા રામનાથ મહાદેવ તળાવનું બ્યુટીફીકેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેનું નિરીક્ષણ કરવા માટે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક બાળુ શુક્લ પહોંચ્યા છે. સ્થળ પરના દબાણોને લઇને માર્કિંગ કરવામાં આવ્યું છે. જેના આધારે દબાણકર્તાઓને નોટીસ ફટકારવામાં આવશે. અને જગ્યા ખુલ્લી કરાવવામાં આવશે.
ચોમાસા દરમિયા તળાવોની કામગીરી પર રોક લાગી ગઇ હતી. શિયાળો શરૂ થતા જ હવે તે કામોને પ્રાથમિકતા આપીને હાથ પર લેવામાં આવ્યા છે. વડોદરાના ઐતિહાસિક રામનાથ મહાદેવ તળાવ અને વાસ તળાવના બ્યુટીફીકેશનનું કાર્ય હાથમાં લેવાાં આવ્યું છે. આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના દંડક બાળુ શુક્લ સ્થળ પર પહોંચ્યા હતા. આ તકે અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો હાજર રહ્યા હતા. તળાવોની આસપાસમાં દબાણોને લઇને સરકાર સખ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા દબાણો અંગેનું માર્કિંગ કરવામાં આવ્યું છે. માર્કિંગ અંગર્તગ આવતા દબાણોને જિલ્લાનું વહીવટી તંત્ર નોટીસ પાઠવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આ તળાવોનું બ્યુટીફીકેશન કરવાની સાથે તેઓને ઉંડા કરવાનું આયોજન છે. જેને પગલે ચોમાસામાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાની સામે રાહત મળશે. બંને સ્થળોનું નિરીક્ષણ કરીને જિલ્લા કલેક્ટરની મુલાકાતે પહોંચેલા બાળુ શુક્લએ જણાવ્યું કે, રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા તળાવોમાં પાલિકા દ્વારા રીસ્ટોરેશનનું કામ સોંપવામાં આવ્યું છે. તેમાં અવરોધરૂપ દબાણો દુર કરવા માટે સ્થળ મુલાકાત કરી છે. ટુંક સમયમાં દબાણોનો સર્વે કરીને તેને નોટીસ ફટકારવામાં આવશે. આગામી દિવસોમાં વોર્ડ નં – 14 અને 16 માં પૂરની સ્થિતી ના રહે તે માટેના આ પ્રયાસો છે.