- યુટીલીટી બ્રીજ બનાવવા બાબતે ઉદ્યોગો એકમત નહિ થતા મુખ્યબ્રિજનું કામ અટવાયું
- રિલાયન્સની પાણીની લાઈન, 66 kvની વીજલાઇન ખસે નહિ ત્યાં સુધી બ્રિજનું કામ અશક્ય : બાબુભાઈ પટેલ(ચેરમેન NIA)
- સરકાર અને GIDCમાં વારંવારની રજુઆતો છતાંય ઉદ્યોગોની ગંભીર રજૂઆત ધ્યાને લેવાતી નથી એક તરફ ટેરીફનો માર અને બીજી તરફ ઉદ્યોગોને પરિવહનને વિક્ષેપ કરી સમગ્ર એસ્ટેટને જોખમમાં મૂકી દીધું
- એક તરફ ટેરીફનો માર અને બીજી તરફ ઉદ્યોગોને પરિવહનને વિક્ષેપ કરી સમગ્ર એસ્ટેટને જોખમમાં મૂકી દીધું
વડોદરા શહેર નજીક નંદેસરીમાં અનેક મોટા અને માનાન્કિત ઉદ્યોગો આવેલા છે. જે પૈકીના કેટલાક ઉદ્યોગોએ ઔદ્યોગિક ક્રાંતિમાં વડોદરાને આગવી ઓળખ પણ અપાવી છે. જયારે આજે આ તમામ ઉદ્યોગોની હાલત દયનીય થવા પામી છે. નંદેસરીના ઉદ્યોગોની જીવાદોરી સમાન મીની નદીના બ્રિજના નિર્માણ માટે મંજુરી મળ્યા બાદ પણ સરકારી વિભાગ અને કેટલાક ઉદ્યોગોના સંકલનના અભાવે બ્રિજનું કામ શરુ થતું નથી. જે કામીગીરી સોંપવામાં આવી હતી તે ઈજારદાર પણ કામ છોડીને ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે.
નંદેસરીના મીની નદી પરનો બ્રીજ લગભગ 50 વર્ષ જુનો બ્રીજ છે. જે બ્રીજની યોગ્ય સંભાળ નહિ રાખવાના કારણે તે જર્જરિત થયો હતો. જેથી બ્રિજના લોડ ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. જે બાદ તંત્રે બ્રિજને ભારદારી વાહનોની અવરજવર માટે બંધ કર્યો હતો. GIDC દ્વારા નવા બ્રિજન નિર્માણ માટે બે થી ત્રણ વાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જોકે બ્રીજ નીચેથી જતી રિલાયન્સ કંપની સહીત અન્ય ઉદ્યોગોની યુટીલીટી લાઈનની વૈકલ્પિક વ્યવસ્થા કરવા બાબતે વાત અટકી જતી હતી.
આ વર્ષે થયેલી ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ નંદેસરીને જોડતો આ જર્જરિત બ્રીજ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જયારે ઉદ્યોગો માટે આવતા ભારદારી વાહનો સહીત નોકરીયાત વર્ગના રાહદારીઓને પણ ફરીને અવરજવર કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન મેં મહિનાથી બ્રિજને તોડી પાડીને નવા બ્રિજના નિર્માણનું કામ શરુ થવાનું હતું. જોકે મુખ્યત્વે રિલાયન્સ કંપનીની પાણીની લાઈન, ગેઈલ કંપનીની ગેસ લાઈન અને અન્યત્ર યુટીલીટી લાઈનના સ્થળાંતર માટેની લાંબી વાટાઘાટો બાદ પણ કોઈ કામગીરી નહિ થતા અંતે બ્રીજ નિર્માણ માટે કામ કરતો ઈજારદાર કામ છોડીને ચાલ્યો ગયો હતો.
નંદેસરી ઔદ્યોગિક એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉદ્યોગોનું રો મટીરીયલ પણ સમયસર પહોચી શકતું નથી. ફાઈનલ પ્રોડક્ટ તૈયાર થઈને કન્ટેનરમાં મોકલવાની વાત આવે ત્યારે પણ તકલીફો પડે છે. GIDC અને રાજ્ય સરકારને વારંવાર રજુઆતો કરી તેમ છતાંય કોઈ નિકાલ આવતો નથી. એક તરફ ઉદ્યોગો ટેરીફનો માર ઝેલી રહ્યા છે. ત્યારે નીજી તરફ ઉદ્યોગોને પરિવહન જેવી પાયાની સુવિધાઓ પણ મળતી નથી. આમ ને આમ ચાલ્યું તો નંદેસરીના ઉદ્યોગો પુરા થઇ જશે.