Vadodara

રેલવે પ્લેટફોર્મ નં – 6 સામેનો રસ્તો દબાણ મુક્ત બનાવતી પાલિકા

Published

on

  • આજે સવારે લારી શરૂ કરવા માટે ધારકો આવ્યા હતા, અને જમવાનું તૈયાર કરી રહ્યા હતા. તેવામાં જ પાલિકાની દબાણ શાખાની ટીમો ત્રાટકી

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં – 6 સામેના રસ્તા પર ખાણી-પીણીની લારીઓના દબાણ પર પાલિકાની ટીમ ત્રાટકી છે. આજે સવારે પાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. સવાર-સવારમાં લારીઓ શરૂ થાય તે પહેલા જ તેને જપ્ત કરી લેવામાં આવી છે. આ અંગે લારી ધારકનું કહેવું છે કે, અમે દર મહિને રૂ. 1 હજાર ભરીએ છીએ. છતાં અમારી લારીને જપ્ત કરી લેવામાં આવે છે. જ્યારે દબાણ શાખાના કર્મીનું કહેવું છે કે, અમે ઉપરથી મળેલા આદેશ અનુસાર કાર્યવાહી કરી રહ્યા છીએ. આ કાર્યવાહી દરમિયાન બે ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

Advertisement

વડોદરામાં વિતેલા કેટલાય મહિનાઓથી પાલિકા દ્વારા દબાણો દુર કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે આજે પણ ચાલુ છે. આજરોજ વડોદરાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર – 6 ની સામે આવેલા રોડ સાઇડના દબાણો પર પાલિકાની ટીમો ત્રાટકી છે. કાર્યવાહી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ના બને તથા ટ્રાફિકનું નિયમન સુચારૂ રૂપે થાય તે માટે પોલીસનો પુરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મોટા ભાગે અહિંયા વહેલી સવારથી લઇને મોડી રાત સુધી ખાણી-પીણીની લારીઓ ધમધમતી હોય છે. અહિંયા જમવા આવતા લોકો દ્વારા રોડ સાઇડમાં પાર્કિંગ કરવામાં આવતું હોવાથી તે ટ્રાફિક માટે અડચણરૂપ સાબિત થાય છે. આવી બુમો અગાઉ અનેક વખત ઉઠવા પામી છે.

આજે સવારે લારી શરૂ કરવા માટે ધારકો આવ્યા હતા, અને જમવાનું તૈયાર કરી રહ્યા હતા. તેવામાં જ પાલિકાની દબાણ શાખાની ટીમો ત્રાટકી હતી. અને રોડ સાઇડમાં રાખવામાં આવેલા લારી-ગલ્લા, ખુરશી-ટેબવોને એક પછી એક જમા કરવામાં આવી રહ્યા હતા. દબાણ શાખાની કાર્યવાહીથી લારી ધારકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. લારી ધારકે મીડિયાને જણાવ્યું કે, મારી સેવઉસળ-પૌંઆની લારી છે. અમે પાલિકામાં મહીને રૂ. 1 હજાર ભરીએ છીએ. દોઢ મહિનામાં આ ત્રીજી વખત મારી લારી જપ્ત કરવામાં આવી રહી છે. તેઓને પુછ્યું તો તે જણાવે છે કે, અમારે લઇ જવું પડે.

Advertisement

આ તકે પાલિકાના અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, અત્યારે આપણે રેલવે પ્લેટફોર્મ નં – 6 આગળના દબાણો દુર કરવાના છે. ત્યાર બાદ આગળથી જે આદેશ મળશે ત્યાં કામ કરવામાં આવશે. જો કે, અન્ય વિસ્તારોમાં દબાણ અંગે સવાલ પુછતા તેઓ ભાગ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version