વડોદરા શહેરના પાણી પુરવઠાની મુખ્ય કડી સમાન ફાજલપુર ફ્રેન્ચવેલ ખાતે આગામી 9 તારીખના રોજ ફ્લોમીટર બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. પાલિકા તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા આશરે 5 લાખ નાગરિકોને પાણીની તંગીનો સામનો કરવો પડી શકે છે.
કયા વિસ્તારોને થશે અસર? ફાજલપુર ફ્રેન્ચવેલથી પાણી મેળવતી મુખ્ય ટાંકીઓ અને બુસ્ટર સ્ટેશનો હેઠળના વિસ્તારોમાં 9 તારીખની સાંજે પાણી મોડેથી અને ઓછા દબાણથી આવશે.
📍અસરગ્રસ્ત વિસ્તારોમાં:
- મુખ્ય ટાંકીઓ: છાણી ગામ, છાણી જકાતનાકા, ટીપી-13, સમા ટાંકી, સયાજી બાગ, લાલબાગ અને જેલ રોડ ટાંકી.
- બુસ્ટર સ્ટેશનો: વારસિયા, વ્હીકલ બુસ્ટર, જૂની ગઢી, પરશુરામ, બકરાવાડી, સાધના નગર અને નવી ધરતી બુસ્ટર.
🧐તંત્રની સલાહ વિરુદ્ધ જનતાનો રોષ: પાલિકાના કાર્યપાલક ઇજનેરે નાગરિકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરી લેવાની સલાહ આપી છે. જોકે, સ્થાનિકોમાં આ સલાહ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે શહેરમાં પહેલેથી જ પાણીનો કકળાટ છે અને જ્યારે નિયત જથ્થો પણ પૂરતો મળતો ન હોય, ત્યારે સંગ્રહ કઈ રીતે કરવો?
👉વહીવટી તંત્રનું આયોજન: પાલિકાના જણાવ્યા અનુસાર, 9 તારીખે સવારનો પાણી પુરવઠો રાબેતા મુજબ આપ્યા બાદ તુરંત જ ફ્લોમીટર બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે, જેથી સાંજ સુધીમાં તેને પૂર્ણ કરી શકાય. તેમ છતાં, વિતરણ વ્યવસ્થા ખોરવાઈ શકે તેમ હોવાથી રહીશોએ સાવચેતી રાખવી જરૂરી છે.