વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામથી આગની ઘટના સામે આવી છે. જ્યાં જરોદ પોલીસ મથકે ગુનાના કામે ઝડપાયેલ વાહનોમાં આગ લાગતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ડિટેઇન કરેલા 25 થી 30 જેટલા વાહનો આગમાં બળીને ખાખ થઇ ગયા છે. ફાયરનો કોલ મળતા ફાયર બ્રિગેડના લશ્કરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં આવેલ જરોદ પોલીસ મથકના પાછળ આવેલ ખુલ્લા ભાગમાં પોલીસે ડિટેઇન કરેલા વાહનો મુક્યા હતા. પરંતુ કોઈ અગમ્ય કારણોસર અચાનક જ ઘાસના પૂડામાં આગ લાગતાં એક બાદ એક વાહનોમાં આગ પ્રસરી ગઈ હતી. આગમાં પોલીસે ડિટેઇન કરેલા ટુ વ્હીલર, ફોર વ્હીલર સહિત 25 થી 30 જેટલા વાહનો ભડથું થયા છે.
ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને સાથે જ ફાયરની ટિમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ પોલીસ અને સ્થાનિકો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના બાદમાં ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના પગલે જરોદ પોલીસ દ્વારા 100 મીટર સુધીના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. જોકે, હાલ તો આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ લાગવાને કારણે મોટું નુકશાન થયું છે.