Vadodara

વડોદરામાં કરોડોની જમીનનું મસમોટું કૌભાંડ: મૃતક ખેડૂતની જગ્યાએ ડમી શખ્સને ઊભો કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા

Published

on

  • મૃતકની જગ્યાએ ડમી શખ્સ: ખેડૂત સોમાભાઈનું અવસાન થયા છતાં સબ-રજિસ્ટ્રાર સમક્ષ અન્ય વ્યક્તિને ઊભો રાખી ફોટો પડાવ્યો.
  • બોગસ દસ્તાવેજોનો ખેલ: જૂનો વેચાણ દસ્તાવેજ રદ્દ કરાવી તેના બીજા જ દિવસે નવી વ્યક્તિઓના નામે જમીન વેચી દેવાઈ.
  • છેતરપિંડી અને કાવતરું: જમીનના નાણાં ચૂકવ્યા વગર અને ખોટા દસ્તાવેજોના આધારે મામલતદાર કચેરીમાં રેકર્ડ બદલવાનો પ્રયાસ.
  • પોલીસ તપાસ શરૂ: નંદેસરી પોલીસ સ્ટેશનમાં 6 જેટલા શખ્સો સામે ગુનો નોંધી પી.આઈ. દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરાઈ રહી છે.

વડોદરા તાલુકાના કોટણા ગામની સીમમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીન માલિકી હડપ કરવા માટે એક ચોંકાવનારું કાવતરું બહાર આવ્યું છે. અનગઢ ગામે દૂધની ડેરી પાસે રહેતા મહેશભાઈ દેવીસિંહ ગોહીલે નોંધાવેલી ફરિયાદ મુજબ, મોજે કોટણા ગામની જમીનમાં મૃત્યુ પામેલા મૂળ ખાતેદારના નામે ખોટા દસ્તાવેજો તૈયાર કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી છે. આ પ્રકરણે નંદેસરી પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.

🧐શું છે સમગ્ર કૌભાંડ?

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કોટણા ગામ ખાતે આવેલી જમીનના મૂળ ખાતેદારો પૈકીના સોમાભાઈ મેલાભાઈ ગોહીલનું ગત 15 ડિસેમ્બર 2013ના રોજ અવસાન થયું હતું. તેમ છતાં, આરોપી રણજીતભાઈ ભાઇલાલભાઈ ગોહીલે અન્ય ખાતેદારોને ભોળવીને એપ્રિલ 2013માં સબ-રજિસ્ટ્રાર કચેરી ખાતે બોલાવ્યા હતા. ત્યાં અગાઉના વર્ષ 2009ના વેચાણ દસ્તાવેજને રદ્દ કરવાનો લેખ તૈયાર કરાયો હતો, જેમાં સંજય રમેશ બચત્રે (ચિત્રે), રાજેશ ચંદ્રકાંત શિર્કે વગેરે સાક્ષી તરીકે રહ્યા હતા.

આશ્ચર્યજનક બાબત એ છે કે સોમાભાઈ મરણ પામેલા હોવા છતાં તેમના નામ સામે અન્યનો ફોટો લગાવી અને સબ-રજિસ્ટ્રાર સમક્ષ સોમાભાઈની જગ્યાએ કોઈ અજાણ્યા ડમી શખ્સને ઊભો રાખીને ફોટો પડાવવામાં આવ્યો હતો તેમજ ખોટી સહીઓ કરાઈ હતી. આ દસ્તાવેજ રદ થયાના માત્ર એક જ દિવસમાં (10 થી 11 એપ્રિલ 2014 દરમિયાન) તે જ જમીન આરોપી રમેશકુમાર અરજણભાઈ શ્રીનાથ અને નૃપેશકુમાર કાંતિલાલ પટેલના નામે વેચાણથી આપી દેવાઈ હતી, જેમાં પણ સાક્ષી તરીકે સંજય બચત્રે અને રણજીતભાઈ હાજર રહ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં મૃતક વ્યક્તિ હયાત હોવાનું દર્શાવી, ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી મામલતદાર કચેરીમાં નામ ચઢાવવા સુધીની ઠગાઈ આચરવામાં આવી હતી.

આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. જાડેજાએ સંજય રમેશ બચત્રે, રણજીતભાઈ ભાઇલાલભાઈ ગોહીલ, રાજેશ ચંદ્રકાંત શિર્કે, રમેશકુમાર અરજણભાઈ શ્રીનાથ, નૃપેશકુમાર કાંતિલાલ પટેલ તથા સબ-રજિસ્ટ્રાર સામે ખોટો ફોટો પડાવનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Trending

Exit mobile version