સાહિલ ભરવાડ નામના શખ્સની ધરપકડ: ઘરેલુ અને કોમર્શિયલ ગેસનું ચાલતું હતું કૌભાંડ.
ગેરકાયદે સંગ્રહ અને સપ્લાયના રેકેટનો પર્દાફાશ: રામકૃપા એજન્સી શંકાના ઘેરામાં.
એક તરફ જ્યારે યુદ્ધની સ્થિતિને કારણે ગેસ સિલિન્ડર માટે લોકો લાઈનો લગાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ વડોદરામાં ગેસના ગેરકાયદે સંગ્રહખોરો સક્રિય થયા છે. વડોદરા પોલીસે એરપોર્ટ રોડ પર દરોડો પાડીને મોટા પ્રમાણમાં ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરના એરપોર્ટ રોડ પર મિલન પાર્ટી પ્લોટ પાસે પોલીસને બાતમી મળી હતી કે અહીં ગેસના બોટલોનો ગેરકાયદે સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા સ્થળ પરથી કુલ 30 ગેસ સિલિન્ડરો કબજે કર્યા છે. જેમાં ઘરેલુ વપરાશના અને કોમર્શિયલ બંને પ્રકારના બોટલનો સમાવેશ થાય છે.
🚨ધરપકડ અને તપાસ:
આ મામલે પોલીસે સ્થળ પરથી સાહિલ ભરવાડ નામના શખ્સની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો ગેરકાયદે રીતે સંગ્રહ કરીને અન્ય સ્થળોએ ઊંચા ભાવે સપ્લાય કરવામાં આવતો હોવાની શંકા છે.
🧐એજન્સીની સંડોવણી?
સૌથી મહત્વની બાબત એ છે કે, પોલીસ હવે આ કૌભાંડમાં રામકૃપા એજન્સીની કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ઊંડી તપાસ કરી રહી છે. કબજે કરેલા તમામ સિલિન્ડરોને સીલ કરી દેવામાં આવ્યા છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે.
🫵શહેરમાં એક તરફ અછતની અફવાઓ વચ્ચે આ પ્રકારે ગેરકાયદે સંગ્રહખોરી પકડાતા ચકચાર મચી ગઈ છે. પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહી છે.