વડોદરા જિલ્લા એલસીબી પોલીસે માર્બલ પાવડરની આડમાં લઈ જવામાં આવતો વિદેશી શરાબ નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ શરાબનો જથ્થો લઈ જવા માટે માર્બલના પાવડરની બેગની આડમાં વ્યવસ્થિત રીતે શરાબની પેટીઓ પેક કરેલી મળી આવી હતી. પોલીસે 2.28 લાખની કિંમતના વિદેશી શરાબના જથ્થા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી છે.
વડોદરા જિલ્લા એલસીબી પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે, વડોદરાથી ભરૂચ તરફ જવાના માર્ગ પર વરણામાં ગામની સીમમાં ક્રિષ્ના આઈ માતા હોટલ પાસે એક ટ્રક ઉભી છે. રાજસ્થાન પાર્સિંગની ટ્રકમાં માર્બલ પાવડરની આડમાં વિદેશી શરાબ લઈ જવામાં આવી રહ્યો છે.
જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈને પાવડરની બેગ ખસેડીને તપાસતા તેમાં બોક્સ મળી આવ્યા હતા. જે બોક્સમાં વિદેશી શરાબની પેટીઓ વ્યવસ્થિત રીતે પેક કરેલી મળી હતી. એલસીબીની ટીમે 15 લાખની કિંમતની ટ્રક, 91,000 ની કિંમતના માર્બલ પાવડરની બેગ તેમજ 2,28,000ની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો મળીને 18,24,875નો મુદ્દામાલ કબજે લીધો છે.