શિનોરના મીંઢોળ ગામ ખાતે આવેલા પાટણવાડિયા ફળિયામાં ટેકરા ઉપર આવેલા મકાનના વાડામાં નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી તેનું વેચાણ કરનાર ઈસમની ગ્રામ્ય એસઓજી પોલીસે ધરપકડ કરી 26.145 કિલો ગ્રામ કિંમત બે લાખ ઉપરાંતનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મીંઢોળ ગામ ખાતે આવેલા પાટણવાડીયા ફળિયાના ટેકરા ઉપર રહેતા રમણભાઈ પાટણવાડીયા પોતાની માલિકીના વાડામાં નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરીને ગાંજાનું સેવન તેમજ વેચાણ કરી રહ્યો છે.
જે ચોક્કસ માહિતીને આધારે વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમે રેડ કરતા તેના વાડામાંથી વાવેતર કરેલા ગાંજાના 12 લીલાછોડ મળી આવ્યા હતા તેમજ રહેણાંક મકાનમાંથી ગાંજાના સુકાયેલા પાનનો ભૂકો અને બીજ મળી આવ્યા હતા.
જેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મકાનમાંથી 2,61,450 ની કિંમત નો ગાંજાનો જથ્થો 26.145 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી તેના વિરોધ એનડીપીએસ એકટ હેઠળ શિનોર પોલીસ મથકે ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે