- વર્ષ 2024 માં કરજણ અને શિનોર પોલીસ મથકમાં રૂ. 1.22 કરોડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો
વડોદરા ગ્રામ્યમાં આવતા કરજણ અને શિનોર પોલીસ મથક ની હદમાં વર્ષ 2024 દરમિયાન પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આ તકે સક્ષમ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. કરજણ નજીકમાં બંધ પડેલી મોર્ડન ફેક્ટરીના કમ્પાઉન્ડમાં દારૂના જથ્થા પર સરકારી બુલડોઝરક ફર્યું હતું. ગત વર્ષથી ચાલતો દારૂનાશનો સિલસિલો નવા વર્ષે પણ યથાવત રહ્યો છે.
ગુજરાતમાં દારૂબંધી લાગુ છે. પરંતુ દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો અવનવા કિમીયાઓ અજમાવતા હોય છે. આવા કિમીયાખોરોને ડામવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ રહે છે. અને બુટલેગરોની ચાલાકી ઉંધી પાડી દે છે. વર્ષ 2024 દરમિયાન વડોદરાના કરજણ અને શિનોર પોલીસ મથકમાં મળીને રૂ. 1.22 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ જથ્થાનો તાજેતરમાં નિકાલ કરવામાં આવ્યો છે.
રૂ. 1.22 કરોડના વિદેશી દારૂ તથા બિયરના જથ્થા પર સરકારી બુલડોઝર ફર્યું છે. કરજણ પાસે આવેલી અને બંધ પડેલી મોર્ડન કંપનીના કમ્પાઉન્ડમાં દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો. અને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન 1.76 લાખ નાની મોટી વિદેશી દારૂની બોટલ તથા લાખોની સંખ્યામાં ટીનનો નાશ થયો છે.
આ તકે ખાસ રચાયેલી કમિટિના સભ્યો, સ્થાનિક પોલીસના અધિકારીઓ, અને સ્ટાફ તથા સક્ષમ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં દારૂના નાશનો સિલસિલો ગતવર્ષના અંતિમ મહિનાઓથી ચાલી રહ્યો છે. જે નવા વર્ષે પણ યથાવત રહ્યો છે.