જર્જરિત હાલતનો અંત:વર્ષો જૂનું મંદિર જર્જરિત થતા ગ્રામજનોની માંગણીને સરકારે આપી લીલી ઝંડી.
આનંદનો માહોલ:તાલુકા-જિલ્લા પંચાયતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉજવાયો ઉત્સવ.
કરજણ: કરજણ તાલુકાના કુરાઈ ગામ ખાતે આવેલ વર્ષો પુરાણા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન રામજી મંદિરના જીર્ણોદ્ધાર માટે આજે મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે મંદિરના નવનિર્માણ માટેનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
👉સરકારી ગ્રાન્ટથી થશે કાયાકલ્પ:
કુરાઈ ગામનું આ પૌરાણિક રામજી મંદિર લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું, જેના કારણે ગ્રામજનો અને ભક્તોમાં તેની મરામત માટે લાંબા સમયથી માંગણી પ્રવર્તી રહી હતી. ધારાસભ્ય અક્ષય પટેલની રજૂઆતને પગલે, રાજ્ય સરકારની ‘પવિત્ર યાત્રાધામ વિકાસ યોજના’ હેઠળ આ મંદિરના પુનઃ નિર્માણ માટે 60 લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.
🙏ઉત્સાહભર્યું વાતાવરણ:
આજે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કરજણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના વિવિધ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કુરાઈ ગામના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રોચ્ચાર સાથે નવીનીકરણનું કામ શરૂ થતા જ આખા ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ આ તકે ધારાસભ્ય અને રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, પૌરાણિક મંદિરના પુનઃ નિર્માણથી ગામની ધાર્મિક ચેતના વધુ પ્રજ્વલિત થશે.
🫵રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરના ધાર્મિક સ્થળોને વિકસાવવાની આ નેમથી કુરાઈ ગામના રામજી મંદિરને નવું સ્વરૂપ મળશે. હવે ભક્તો ટૂંક સમયમાં ભવ્ય શિખરબદ્ધ મંદિરમાં રામલલાના દર્શન કરી શકશે.