ગુજરાતના રાજ્યપાલ આદરણીય આચાર્ય દેવવ્રતજીએ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામે 🐄 ગૌપાલન અને 🌿પ્રાકૃતિક ખેતીની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચૌહાણ વનરાજસિંહ દિલીપસિંહની ગૌશાળાની મુલાકાત લીધી અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપ્યું હતું.
🐮 ગૌશાળા નિરીક્ષણ અને માર્ગદર્શક સૂચનો
રાજ્યપાલશ્રીએ ગૌશાળામાં સંવર્ધિત આશરે 150 દેશી ગાયોનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વયં ગાય દોહનનો સૌભાગ્ય પણ પ્રાપ્ત કર્યો હતો.
ગૌશાળામાં દૈનિક 150 લીટરથી વધુ દૂધનું ઉત્પાદન થતું હોવાની જાણકારી મેળવીને તેમણે ઉત્પાદનક્ષમતા વધારવા માટે સંચાલક શ્રી વનરાજસિંહને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
ગાયોના આરોગ્ય જળવાઈ રહે તે માટે તેમણે નિયમિત ચિકિત્સા તપાસ, પોષણયુક્ત આહાર, પ્રાકૃતિક ઔષધિઓનો ઉપયોગ અને વૈજ્ઞાનિક સંચાલન પદ્ધતિઓ અપનાવવાની સલાહ આપી હતી.
રાજ્યપાલશ્રીએ ગૌશાળા સંચાલક પરિવારની સેવાભાવનાની પ્રશંસા કરી હતી.
🌾 પ્રાકૃતિક ખેતીના મોડેલનું નિરીક્ષણ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બાવળીયા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતરમાં જઈને પાકોની સ્થિતિ અને પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી જમીનની ઉર્વરતા વધે છે, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને શુદ્ધ-સ્વસ્થ અનાજ પ્રાપ્ત થાય છે.
ત્રણ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પંચતરીય મોડલ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ મોડલમાં આંબા, નાળિયેર, સરગવો, કેળા, પપૈયા, મોસંબી તેમજ શાકભાજીનું સંયુક્ત ઉત્પાદન લેવાય છે, જે જમીનનું સજીવતાવર્ધન કરે છે અને ખેતીની આવકમાં વધારો કરે છે.
ખેડૂતોએ પાણી સંચાલન, મલ્ચિંગ, જીવામૃત, ગ્રીન મેનોરિંગ સહિતના પ્રાકૃતિક ઉપાયો અપનાવીને ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવવાના પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
👉રાજ્યપાલશ્રીએ ગામના ખેડૂતોએ અપનાવેલી પરંપરાગત કૃષિ પદ્ધતિઓ, ગૌશાળા સંચાલન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપને પ્રશંસનીય ગણાવ્યા હતા. આ મુલાકાત દરમિયાન આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ગામના ખેડૂતભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.