- વડોદરાનો પરિવાર કરજણના સાયર ગામે સંબંધિને ત્યાં મુલાકાતે ગયા હતા. તે પતાવીને રાતના સમયે તેઓ પરત ફરી રહ્યા હતા.
- કરજણના દેરોલી ગામે મોડી રાત્રે દુર્ઘટના સામે આવી
- કાર નર્મદા કેનાલમાં ખાબકતા સ્થાનિકો દોડી આવ્યા
- ફાયર લાશ્કરોએ બે મૃતદેહ રેસ્ક્યૂ કર્યા, બે નો બચાવ
કરજણ ના દેરોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમની કેનાલ માં કાર ખાબકતા બે ના મોત નીપજ્યા છે. અને બે વ્યક્તિઓનો બચાવ થયો છે. આ ઘટનાને પગલે મોડી રાત્રે સ્થાનિકો મોટી સંખ્યામાં કેનાલ પાસે જોવા મળ્યા હતા. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા મોડી રાત્રે જ રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનામાં ભોગ બનનારા વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારના હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરા ગ્રામ્યમાં આવેલા કરજણના દેરોલી ગામે ગમખ્વાર ઘટના સામે આવી છે. ગતરાત્રે દેરોલી ગામ પાસે આવેલી કેનાર નજીકથી વડોદરાના દિવાળીપુરાનો પરિવાર પસાર થઇ રહ્યો હતો. દરમિયાન એકાએક કાર કેનાલમાં ખાબકી ગઇ હતી. જેને પગલે સ્થળ પર બુમાબુમ મચી ગઇ હતી. આ ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બે નો બચાવ થયો છે. વડોદરાનો પરિવાર કરજણના સાયર ગામે સંબંધિને ત્યાં મુલાકાતે ગયા હતા. તે પતાવીને રાતના સમયે તેઓ પરત ફરી રહ્યા હતા.
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, દેરોલી ગામની કેનાલ પાસે કારનો વળાંક લેતા સ્ટીયરીંગ પર કાબુ ગુમાવ્યો હોય, અને કાર કેનાલમાં ખાબકી હોવાનું હાલ તબક્કે માનવામાં આવી રહ્યું છે. ફાયરના લાશ્કરોએ બે મૃતદેહનું રેસ્ક્યૂ કરીને તેને પોલીસને સોંપ્યા હતા. પોલીસે બંને મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવા અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપ્યા હતા.
પારિવારીક સુત્રોએ જણાવ્યું કે, તેઓ સાયર ગામે વેવાઇના ઘરે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ દેરોલી કેનાલ પાસે કોઇ બનાવ બન્યો, અને ગાડી કેનાલમાં જતી રહી હતી. મૃતકોના નામ અરવિંદભાઇ પાટણવાડીયા અને હિતેશભાઇ પાટણવાડીયા છે.