વડોદરા શહેરના કારેલીબાગ પોલીસે ખીચોખીચ ટેમ્પોમાં ભરેલા પશુધનને મુક્ત કરાવીને પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુન્હો નોંધીને કાર્યાવહી હાથ ધરી છે.
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે, એક આઇસર ટેમ્પોમાં પશુધન ભરીને મંગલેશ્વર ઝાંપા તરફથી હાથીખાના માર્કેટ તરફ આવનાર છે. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી વાળો ટેમ્પો આવી પહોંચતા તેને રકવાનો પ્રયત્ન કર્યો હાતો. જોકે પોલીસને જોઈને ટેમ્પો ચાલક ઉતરીને ભાગી ગયો હતો. 
પોલીસે ટેમ્પોમાં જોતા તેમાં 39 જેટલા નાના મોટા પાડા- પાડીઓ મળી આવ્યા હતા. જેઓ માટે ટેમ્પોમાં પાણી કે ઘાસચારાની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.પ્રાથમિક તપાસમાં આ પશુધન કતલખાને લઇ જવાતું હોવાનું તારણ નીકળ્યું હતું. જ્યારે 39 જેટલા પશુઓને દરજીપૂરા પાંજરાપોળમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પશુઓ સપ્લાય કરનાર, મંગાવનાર અને પરિવહન કરનાર સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.