Padra

પાદરા APMCની ચૂંટણીમાં 99 ટકા ઉપરાંત મતદાન: ગુલબાંગો ફૂંકતા તમામના પાણી મપાઈ જશે!

Published

on

  • જેઓને પાદરા APMCની ચૂંટણીમાં પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી તેવા જયદીપસિંહ ચૌહાણ ચૂંટણીના દિવસે જ મંત્રીઓની શપથવિધિમાં પહોંચ્યા હતા
  • ભાજપ વર્સીસ ભાજપની સ્થિતિમાં ઉમેદવાર નક્કી કરવામાં ગોઠવણ કરનાર તમામના ચિત્રો પરિણામના અંતે ખુલ્લા પડશે!

જિલ્લાના નવા સંગઠન પ્રમુખ માટે અગ્નિપરીક્ષા સમાન પાદરા APMCની ચૂંટણીમાં આજે મતદાન યોજાયું હતું. ખેડૂત વિભાગના કુલ 661 મતદારો માંથી લગભગ 652 મતદારોએ મતદાન કર્યું હતું. મહત્વનું છે કે, પાદરા APMCની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ સાથે ચૂંટણી લડતા ઉમેદવારો સામે સહકારી અગ્રણી પ્રવિણસિંહ સિંધાએ ઉમેદવારોની આખી પેનલ ઉતારી છે જ્યાં હવે ભાજપ વર્સીસ ભાજપનો ખેલ જામ્યો છે. આવતીકાલે મતગણતરી બાદ ભાજપના કહેવાતા નેતાઓ અને મહામંત્રીના સપના જોતા ચૂંટણી પ્રભારીનું પણ પાણી મપાઈ જશે.

જિલ્લા ભાજપ અધ્યક્ષ રસિકભાઇ પ્રજાપતિએ ચાર્જ સંભાળ્યા બાદ જીલ્લાના સહકારી એકમની પ્રથમ ચૂંટણી આજે યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના હાલના ડીરેક્ટરોને કાપીને આખી નવી પેનલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. રસિકભાઈ પ્રજાપતિની આગેવાની અને માર્ગદર્શનમાં કરજણ APMCમાં ચેરમેન જયદીપસિંહ ચૌહાણને ચૂંટણી પ્રભારી બનાવીને નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. અહીં તો ઝોનના અને પાદરાના સ્થાનિક મહામંત્રી યોગેશ અધ્યારૂને પણ વિશ્વાસમાં લીધા વિના નિર્ણયો લેવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પડકયું હતું.

ભાજપના પ્રભારી કક્ષાના નેતાએ જે ઉમેદવાર કે તેના પરિવાર માંથી કોઈને પણ ઉમેદવારી આપવાની મનાઈ કરી હોવા છતાંય એક વિવાદિત ઉમેદવારને સંગઠન પ્રભારીની સુચનને ઉપરવટ થઈને ઉમેદવારી આપવામાં આવી હતી. જીલ્લા ભાજપ અધ્યક્ષ રસિક પ્રજાપતિ અને ચૂંટણીના પ્રભારી જયદીપસિંહ ચૌહાણના નિર્ણયથી ખેડૂત વિભાગની પેનલને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. આજે આ ચૂંટણીમાં મતદાન યોજવામાં આવ્યું હતું જેમાં 661 માંથી 652 મતદારોએ મતદાન કર્યું હતું. આવતીકાલે આ ચૂંટણીમાં મતગણતરી યોજવામાં આવશે. જે બાદ ચૂંટણીમાં ઝંપલવનાર ઉમેદવારોની સાથે સાથે મહામંત્રી થવાનું સ્વપ્ન સેવતા જયદીપસિંહ ચૌહાણ અને જીલ્લા ભાજપ અધ્યક્ષ રસિક પ્રજાપતિની જોડીનું પણ પાણી મપાઈ જશે!

Trending

Exit mobile version