Vadodara

“નકલ કામ બગાડે, અકલ કામ સુધાર”: વેપારીની નકલ કરીને વાંદરાએ ટોપી ફેંકી દીધી!

Published

on

બાલ સાહીત્યની એક વાર્તા છે “નકલ કામ બગાડે, અકલ કામ સુધાર”, આ વાર્તા બાળપણમાં એટલી પ્રચલિત હતીકે બાળકો એકી ટસે વાર્તામાં ધ્યાન આપતા અને વાર્તાના કાલ્પનિક ચિત્રોમાં ખોવાઈ જતા!, ચાલો વાર્તા પર એક નજર કરીને પછી મુખ્ય વિષય પર આવીએ..

ઘણાં વરસો પહેલાંની વાત છે. એક ફેરિયો ટોપીનો વેપાર કરતો હતો. તે ગામે ગામ ફરી લોકોને કહેતો ‘રંગબેરંગી ટોપી લઈ લો – લઈ લો.’ એની રંગીન ટોપી લોકોને ગમતી હતી. લોકો તે ખરીદી લેતા હતા ને પહેરી ખુશ થતા હતા

એક દિવસ ટોપીનું પોટલું લઈ ખૂબ ચાલી તે થાકી ગયો હતો. રસ્તામાં એક મોટું ઝાડ આવ્યું. તેને થયું કે લાવ બે ઘડી આરામ કરું. ઝાડની છાયામાં તે પગ લંબાવી સૂતો. ઝાડ નીચે સરસ ઠંડો પવન આવતો હતો. થોડીવારમાં તો તે ઘસઘસાટ ઊંઘી ગયો.

એ ઝાડ ઉપર વાંદરા બેઠા હતા. વાંદરાંઓએ રંગબેરંગી ટોપીનું પોટલું જોયું ને નીચે ઊતરી આવ્યાં. એક અટકચાળા વાંદરાને તોફાન સૂઝ્યું. તેણે ટોપીઓનું પોટલું છોડી નાંખ્યું અને એક ટોપી કાઢી પહેરી લીધી. એનું જોઈને બાકીના બધાં વાંદરાંઓએ પણ ટોપીઓ લઈને પહેરી લીધી. કોઈએ એક રંગની ટોપી પહેરી તો બીજાએ બીજા રંગની ટોપી માથે ચડાવી.

થોડીવારે ફેરિયો જાગ્યો. એણે જોયું તો પોટલું ખાલી ને ટોપીઓ ગુમ. આજુબાજુ બધે જોયું તો ક્યાંય ટોપીઓ ન દેખાય. પછી ઉપર નજર કરી તો દેખાયું કે ઝાડ ઉપર ઘણાં બધાં વાંદરાંઓ ટોપી પહેરી કૂદાકૂદ કરતાં હતાં.

થોડો વખત તો તે વિચારમાં પડી ગયો કે હવે કરવું શું ? વિચાર કરતા કરતા ફેરિયાને એક યુક્તિ જડી ગઈ. તે જાણતો હતો કે વાંદરાં નકલખોર હોય છે. તેણે પોતે પહેરેલી ટોપી પોતાના માથેથી ઉતારી હાથમાં લીધી અને વાંદરાઓની તરફ જોરથી દૂર ફેંકી. વાંદરાંઓએ આ જોયું અને તેઓએ પણ ફેરિયાની નકલ કરી. ફેરિયાની જેમ જ દરેક વાંદરાએ પોતાના માથેથી ટોપી ઉતારી ફેરિયા તરફ ફેંકી.

બધી ટોપીઓ ટપોટપ નીચે આવી ગઈ. ફેરિયાએ બધી ટોપી વીણી લીધી અને તે પોટલામાં બાંધી ત્યાંથી ઝટપટ રવાના થઇ ગયો.

નકલ કામ બગાડે પણ અક્કલ કામ સુધારે તે આનું નામ !

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે આવ્યા હતા. ભારત અને ખાસ કરીને ગુજરાત માટે આજે ગર્વનો દિવસ હતો જ્યાં યશસ્વી વડાપ્રધાને એકતા દિવસે વિશાળ કાર્યક્રમમાં હાજરી આપી, આ કાર્યકમમાં પ્રધાનમંત્રીએ આવેલા પ્રેક્ષકો પ્રત્યે લાક્ષણિકતા સાથે અભિવાદન કર્યું, મોદીજીની આ અભિવાદન કરવાની સિગ્નેચર સ્ટાઇલ છે જેમાં તેઓ ચાલતા ચાલતા હજારોની ભીડની આંખોમાં આંખ મિલાવીને તમામનું સન્માન થાય તે રીતે હાથ ઉંચો કરીને અભિવાદન કરે છે. પ્રધાનમંત્રીનો હાથ અભિવાદન માટે ઉંચો થાય એટલે લોકો મોદી-મોદી અને ભારત માતા કી જય ના જયઘોષ સાથે લોકોમાં ઉત્સાહ ભરી દે! આજે પણ પ્રધાનમંત્રીએ પ્રેક્ષકોનું આજ પ્રકારે અભિવાદન કર્યુ આ ક્ષણને લોકોએ કેમેરામાં કંડારી લીધી. સફેદ વસ્ત્રમાં કાળા રંગની કોટી અને માથે હતી કેપ, આ દ્રશ્ય અને નરેન્દ્રમોદીની પ્રતિભા, તેનો કોઈ જોડ ન મળે!

કાર્યક્રમ સમાપ્ત થયા બાદ વડોદરાના એક નેતાને રમૂજ સૂઝી, અને કરી દીધી મોદીની નકલ. જોગાનુજોગ તેઓ પણ સફેદ વસ્ત્રમાં કાળી કોટી સાથે પહોચ્યા હતા. જે સ્થાને મોદીજીએ ચાલતા ચાલતા પ્રેક્ષકોનું અભિવાદન ઝીલ્યું હતું, તેજ સ્થળે આ નેતાએ રમૂજમાં તેવી જ રીતે ચાલીને જે તરફ પ્રેક્ષકો બેઠા હતા તે દિશામાં હાથ ઉંચો કરીને મોદીની નકલ કરી. સાથે ચાલનારા અન્ય નેતાઓ પણ તેમની આ “નકલ નીતિ”જોઈને સ્તબ્ધ થઈ ગયા! એક નેતાએ તો રોકીને કહ્યું પણ ખરું,કે આવું ના કરાય.. આ તમામ ઘટના બાદ એ નકલ કરનાર નેતાએ તે ક્ષણનો લીધેલો ફોટો પણ સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો! અને જાતે જ ચર્ચાનો વિષય બની ગયા..!!

બાલ સાહિત્યની વાર્તાના સાર પ્રમાણે નરેન્દ્ર મોદીએ નરેન્દ્ર મોદી થવા પાછળ વર્ષોનો સંઘર્ષ અને બલિદાન આપ્યા છે. વાર્તામાં જેમ વેપારીની નકલ કરવાથી નુકશાન વાંદરાનું જ થયું હતું અને ટોપી ફેંકી દેવી પડી હતી! તેમ અહીંયા મોદીજીની નકલ કરવાથી “નસીબે” મળેલી ટોપી ઉતરી જાય તો નવાઈ નહીં!

Trending

Exit mobile version