બનાવ:મકરપુરા વિસ્તારમાં જાહેર રસ્તા પર યુવકો વચ્ચે ઉગ્ર મારામારી.
સ્થળ:બરોડા ડેરી અને ભવન્સ સ્કૂલ જેવો અત્યંત વ્યસ્ત વિસ્તાર.
નાગરિકોનો આક્રોશ:પોલીસ માત્ર ટ્રાફિક ચેકિંગમાં વ્યસ્ત હોવાનો અને કાયદો-વ્યવસ્થામાં નિષ્ફળ હોવાનો આક્ષેપ.
સ્થિતિ:સાંજ પડતા જ લુખ્ખાતત્વોનો ત્રાસ વધ્યો, ગુંડાગીરીના બનાવોમાં ચિંતાજનક વધારો.
પોલીસને પડકાર:શું વડોદરા પોલીસ આ ‘નવા ડોન’ બનેલા તત્વો સામે બુલડોઝર જેવી કડક કાર્યવાહી કરશે?
શું વડોદરા પોલીસ માત્ર હેલ્મેટ અને પીયુસીના દંડ ઉઘરાવવામાં જ વ્યસ્ત છે? આ સવાલ આજે શહેરના દરેક નાગરિકના મનમાં ઉઠી રહ્યો છે. એક તરફ પોલીસ ટ્રાફિકના નિયમોના નામે કડકાઈ બતાવી રહી છે, તો બીજી તરફ શહેરના રસ્તાઓ પર લુખ્ખાતત્વો બેફામ બન્યા છે. મકરપુરા જેવા ભરચક વિસ્તારમાં જાહેરમાં થયેલી મારામારીએ પોલીસના પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલી નાખી છે.
મકરપુરા વિસ્તારમાં બરોડા ડેરી અને ભવન્સ સ્કૂલ નજીક આજે ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે કેટલાક યુવકો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો. નજીવી બાબતે શરૂ થયેલો ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે જાહેર રસ્તા પર જ એકબીજા પર હુમલા શરૂ થયા. આસપાસના લોકોમાં ભય ફેલાયો અને વાહનચાલકો થંભી ગયા. લોકોનો આક્ષેપ છે કે વડોદરાના અનેક વિસ્તારોમાં હવે ગલીએ-ગલીએ ‘નવા ડોન’ પેદા થઈ રહ્યા છે.
“સાંજ પડતા જ અહીં લુખ્ખાતત્વોનો જમાવડો થાય છે. જાહેરમાં ગાળાગાળી અને મારામારી સામાન્ય બની ગઈ છે. પોલીસ માત્ર મેમો ફાડવામાં વ્યસ્ત છે, પણ જ્યારે આવી ગુંડાગીરી થાય ત્યારે કોઈ જોવા મળતું નથી.”
શહેરીજનોમાં ચર્ચા છે કે વડોદરામાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. લુખ્ખાતત્વોને હવે કાયદાનો કોઈ ડર રહ્યો હોય તેમ લાગતું નથી. જ્યારે સામાન્ય નાગરિક હેલ્મેટ ભૂલી જાય તો પોલીસ તુરંત હાજર થઈ જાય છે, પરંતુ જાહેરમાં થતી ગુંડાગીરી વખતે ખાખી વર્દી કેમ દેખાતી નથી? નાગરિકોની માંગ છે કે ટ્રાફિક નિયમોની સાથે-સાથે શહેરની શાંતિ જાળવવા માટે કડક પેટ્રોલિંગ કરવામાં આવે.
🫵વડોદરાની જનતાને હેલ્મેટ પહેરાવવી જરૂરી છે, પણ તેને સુરક્ષાનો અહેસાસ કરાવવો પણ એટલો જ અનિવાર્ય છે. જો જાહેરમાં થતી આવી ગુંડાગીરી પર લગામ નહીં કસાય, તો ‘સંસ્કારી નગરી’ની શાંતિ જોખમાઈ શકે છે.