- લિફ્ટ આપવી પડી ભારે: કપુરાઈથી મહિલાને કારમાં બેસાડ્યા બાદ ગોઠવાયેલા ગુનાહિત ડ્રામાનો ભોગ બન્યા વૃદ્ધ.
- નકલી પોલીસ બની ધમકી: અમિત મશરૂ અને તેના સાગરીતોએ ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની બીક બતાવી મારઝૂડ કરી.
- ઓનલાઈન અને એટીએમથી લૂંટ: જી-પે ટ્રાન્સફર, મિત્ર પાસેથી ઉછીના નાણાં અને એટીએમમાંથી બળજબરીથી કુલ રૂ. 3.35 લાખ કઢાવ્યા.
- વધુ ખંડણીની માંગ: સોમવાર સુધીમાં બીજા 10 લાખ રૂપિયા નહીં આપવા પર હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી પોલીસ ફરિયાદ નોંધાઈ.
વડોદરા: વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા 66 વર્ષીય વૃદ્ધ સાથે લિફ્ટ આપવાના બહાને ચોંકાવનારી ઠગાઈ અને હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. કપુરાઈ પાસેથી મહિલાને લિફ્ટ આપ્યા બાદ નકલી પોલીસ બનીને આવેલા શખ્સોએ વૃદ્ધને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 3.35 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશને નોંધાઈ છે.
🧐શું હતી સમગ્ર ઘટના?
ફરિયાદી વૃદ્ધ ગત 1 ઓગસ્ટના રોજ બપોરે પોતાની કાર લઈને ડભોઇ ખાતેના વૃદ્ધાશ્રમ જવા નીકળ્યા હતા. તે દરમિયાન કપૂરાઈ ચોકડી પાસેથી 25-30 વર્ષની એક મહિલાએ રાજપીપળા જવા માટે લિફ્ટ માંગતા, મદદની ભાવનાથી તેમણે તેને કારમાં બેસાડી હતી. રસ્તામાં તે મહિલાએ પોતાની ઓળખ શીતલબેન તરીકે આપી હતી અને મોબાઈલ નંબર લઈ મિસકોલ માર્યો હતો.
સાઠોડ ગામની સીમમાં વૃદ્ધાશ્રમથી આગળ પહોંચતા જ અચાનક બે કાર તેમની ગાડીની આગળ આવીને ઊભી રહી હતી. તેમાંથી 3-4 અજાણ્યા શખ્સો નીચે ઉતરીને આવ્યા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમાં એક શખ્સે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અમિત મશરૂ નામ ધારણ કર્યું હતું અને કારમાં બેઠેલ મહિલા ડ્રગ્સ પેડલર તથા વોન્ટેડ હોવાનું જણાવી વૃદ્ધને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આરોપીઓએ તેમને બે-ત્રણ લાફા મારીને કેસમાંથી બચવા માટે 15 લાખ રોકડની માંગણી કરી હતી.
આરોપીઓએ વૃદ્ધનો મોબાઈલ આચકી લઈ જી-પે (GPay) દ્વારા 89,000 અને બાદમાં 6,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ઉપરાંત મિત્ર સુનિલના ઘરેથી ઉછીના બે લાખ રૂપિયા મંગાવી લીધા હતા અને ગોત્રી રોડ પર નંદીશ કોમ્પ્લેક્સ પાસે એટીએમમાંથી જબરજસ્તી 40,000 રૂપિયા ઉપડાવી કુલ 3.35 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જતા જતા અમિત મશરૂએ સોમવાર સુધીમાં બીજા 10 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આંગડિયા મારફતે મોકલી આપવાની ધમકી આપી હતી અને નહીં મોકલે તો હાથ-પગ ભાંગી નાખવાની ચીમકી ઉચ્ચારી હતી. આ માલે ડભોઇ પોલીસે અમિત મશરૂ, શીતલબેન, રાહુલ પરમાર અને અન્ય ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.