દૂષિત પાણીનો ત્રાસ:ગટરનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળતા નળમાંથી કાળું પાણી આવે છે.
રોગચાળાની ભીતિ:ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકોમાં માંદગીનો ફેલાવો થવાની શક્યતા.
તંત્રની ઉદાસીનતા:વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ ન આવતા રહીશોમાં રોષ.
વડોદરા: વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં આવેલી કરોળિયા રોડ વિસ્તારની સોસાયટીઓમાં પાલિકાતંત્રની બેદરકારીને કારણે રહીશો નરક જેવી જિંદગી જીવવા મજબૂર બન્યા છે. ભાજપ કાર્યલય ની નજીક વૃંદાવન ચોકડી પાસે આવેલી છ સોસાયટીઓના અંદાજે 800 મકાનોમાં છેલ્લા છ મહિનાથી ડ્રેનેજ લાઈન ઉભરાવવાની સમસ્યા યથાવત છે, જે હવે જીવલેણ બની રહી છે.
🧐સમસ્યાની ગંભીરતા:
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, છેલ્લા બે મહિનાથી ગટરોનું પાણી સોસાયટીના મુખ્ય માર્ગો પર ફરી વળ્યું છે, જેના કારણે આખા વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. આટલું જ નહીં, હવે ગટરનું દૂષિત પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જતાં ઘરોના નળમાંથી કાળા રંગનું પાણી આવી રહ્યું છે. આ દૂષિત પાણીનો ઉપયોગ કરવાને કારણે રહીશોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે.
🧐રોગચાળાનો ભય:
ગંદકીને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ ભારે પ્રમાણમાં વધ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, તંત્રની આ અણઘડ કામગીરીને લીધે કોઈ પણ સમયે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. અનેક રજૂઆતો છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી. પ્રજાના ટેક્સના પૈસે ચાલતું પાલિકાતંત્ર પીવાના શુદ્ધ પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ રહ્યું છે.
🫵તંત્રને અલ્ટીમેટમ:
રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે, ભાજપ માંથી ચૂંટાય ને આવેલા લોકો ભાજપ પાસે થી પગાર લે જનતા ના ટેક્સ ના પૈસે લહેર કરવી હોય તો જનતાનું સાંભળવું પડે.જો તાત્કાલિક ડ્રેનેજ લાઈનનું સમારકામ કરવામાં નહીં આવે અને પાણીની લાઈનમાં ભળતું ગંદુ પાણી બંધ નહીં થાય, તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા પાલિકા કચેરીએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ પણ ઉઠી છે.