બપોરે 12 થી 4 બહાર ન નીકળવા આરોગ્ય વિભાગની કડક અપીલ.
સમગ્ર ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરામાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીની આ સીઝનમાં હવે મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. વડોદરાની SSG હોસ્પિટલ હાલ એલર્ટ મોડ પર છે. શું છે શહેરની સ્થિતિ, જુઓ આ ખાસ રિપોર્ટમાં.
વડોદરામાં સવારના 10 વાગ્યાથી જ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળે છે. 43 ડિગ્રી તાપમાનમાં વડોદરાવાસીઓ શેકાઈ રહ્યા છે. આ અસહ્ય ગરમી હવે જાનલેવા સાબિત થઈ રહી છે. શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતા 74 વર્ષીય કમુબેન પરમારને અચાનક ગભરામણ થયા બાદ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓએ દમ તોડ્યો હતો.
ગરમીને પગલે મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલ તંત્ર પણ સજ્જ થયું છે. હોસ્પિટલના જનરલ ઓપીડીમાં સામાન્ય ફ્લૂ અને ઝાડા-ઊલ્ટીના દર્દીઓમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ ગરમી આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહી છે.
🗣️RMO જાગૃતિ ચૌહાણનો બાઈટ (ઇન્ટરવ્યુ):
“અમે હીટ સ્ટ્રોક માટે ખાસ અલાયદો વોર્ડ તૈયાર કર્યો છે. હાલમાં દર્દીઓની સંખ્યામાં કોઈ મોટો ઉછાળો નથી, પણ અમે તમામ સુવિધાઓ સાથે સજ્જ છીએ. લોકોને વિનંતી છે કે બપોરે 12 થી 4 દરમિયાન બહાર નીકળવાનું ટાળે.”
🧐આરોગ્ય વિભાગની ખાસ એડવાઈઝરી
સમય: બપોરે 12:00 થી 4:00 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવું.
હાઇડ્રેશન: સતત પાણી પીતા રહેવું અને ORS અથવા લીંબુ શરબતનો ઉપયોગ કરવો.
પોશાક: સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવા, બહાર નીકળતી વખતે માથું ઢાંકીને રાખવું.
સાવચેતી: ગભરામણ કે વધુ પડતો પરસેવો થાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
🥵સાંજે 7 વાગ્યા પછી પણ વડોદરામાં લૂ ફૂંકાઈ રહી છે. મોડી રાત સુધી ગરમીનો અહેસાસ થતા લોકોની ઊંઘ પણ હરામ થઈ છે. તંત્ર દ્વારા સતત સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી રહી છે.
☀️ગરમી હજુ પણ વધવાની શક્યતા છે, ત્યારે સાવચેત રહેવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે