ટીપી સ્કીમમાં રોડ રસ્તા અને ડ્રેનેજની કામગીરી દરમિયાન ખોદવામાં આવેલી માટી બરોબાર સગેવગે કરી હોવાના આક્ષેપ
ગ્રામ પંચાયતને ફરિયાદ મળતા જાત તપાસ કરતા ચાપડની માટીને ખાનગી બિલ્ડરોની સાઈટના પુરાણ માટે આપી દેવાઈ !
ગ્રામસભામાં માટી ચોર્રીની ઉગ્ર રજૂઆત થતા કામ અટકાવીને પોલીસ ફરિયાદ નોંધવા માટેની માંગ કરાઈ
વડોદરા તાલુકાના ચાપડ ગામે TP સ્કીમ અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં ગેરરીતીના આક્ષેપ સાથે ચાપડ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભામાં ઠરાવ કરીને રોડ, ડ્રેનેજ લાઈન અને અન્ય કામગીરી કરનાર ઈજારદાર શિવાલય ઇન્ફ્રાને કામ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવા માટે પત્ર લખીને ગેરરીતિઓની તપાસ ન થાય ત્યાં સુધી કામ શરુ નહિ કરવાની રજૂઆત વુડા કચેરી ખાતે કરવામાં આવી છે. મહત્વનું છે કે, ટી.પી સ્કીમના ડેવલોપમેન્ટ માટે ચાલી રહેલી કામગીરીમાં ઇજારદારે ગેરરીતી કરીને ખોદેલી માટી બરોબાર વેચી દીધી હોવાના આક્ષેપ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
થોડા સમય પહેલા ચાપડ ગ્રામ પંચાયતની હદમાં ડ્રેનેજ લાઈન નાખવાના કામમાં ગામના એક આધેડ પડી જતા તેઓનું મોત થયું હતું. તે દરમિયાન રોષે ભરાયેલા ગ્રામજનોએ નિષ્કાળજી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે ત્યાર બાદ રાજકીય દરમિયાનગીરીથી મૃતકના પરિવારજનોને વળતર ચુકવવાની શરતે મૃતદેહ સ્વીકાર્યો હતો. જોકે હવે ઈજારદાર દ્વારા ટીપીના રસ્તાઓ અને ડ્રેનેજની કામગીરી દરમિયાન ખોદવામાં આવેલી માટી બારોબાર અન્ય કોન્ટ્રાકરને વેચી દેવામાં આવતી હોવાના આક્ષેપ ગ્રામ સભામાં થયા છે.
ગ્રામ પંચાયતના જણાવ્યા અનુસાર, ચાપડ ગામ ખાતે વુડા દ્વારા 27 c TP ખુલ્લી મુકવામાં આવી છે અને 2 વર્ષ થી રોડ રસ્તાના કામો શિવાલય કોન્ટ્રાકટર દ્વારા ચાલુ છે. મન ફાવે રીતે ગ્રામ પંચાયત અને ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર અનગઢ રીતે કામગીરી કરી રહ્યા છે. છેલ્લા થોડા સમય થી ગટર લાઈન નું કામ ચાલુ છે અને આ ગટર નાખવા માટે જે ઊંડા ઊંડા કાંસ ખોદવામાં આવે છે અને જે માટી નીકળે છે તેને બરોબર અમુક બિલ્ડરોને અને બિલ ગામની હદમાં 75 મીટરનો રિંગ રોડ બની રહ્યો છે અને એનો કોન્ટ્રાક્ટ થર્ડ પાર્ટી એટલે કે કોઈક એજન્સીને આપેલો હોય તેમ છતા ચાપડ ગામની માટી બરોબર મિલીભગત કરી ડમ્પર દીઠ ભાવ નક્કી કરી ઠાલવવામાં આવી રહ્યાનું ગ્રામજનોના ધ્યાનમાં આવતા પંચાયતનું ધ્યાન દોર્યું છે. જેની ખરાઈ કરવા પંચાયતની બોડીએ તપાસ રાખતા આ વાત સત્ય સાબીત થઇ.
આ સિવાય આ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ગણી ગેરરીતિઓ બહાર આવી છે જેથી ગ્રામસભામાં ગ્રામજનો એ ઉગ્ર રજૂઆત કરતા આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માટી વેચાણ બાબતે સક્ષમ અધિકારીને જાણ કરી પોલીસ ફરિયાદ કરવાનું સર્વનુંમતે ઠરાવ કરવામાં આવ્યો છે. વુડાના અધિકારીઓ સાથે જે મીલીભગતથી આ કામો થઇ રહ્યા છે એ બાબતે ગ્રામજનો ભેગા મળીને વુડા ખાતે ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.અને જ્યાં સુધી આ તપાસ કરી યોગ્ય જવાબ નહિ મળે ત્યાં સુધી તમામ કામગીરી બંધ કરવા સરપંચ અને તલાટી દ્વારા લેટરપેડથી કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શિવાલય ઇન્ફ્રા સામે થયેલા માટી ચોરીના આક્ષેપોમાં સામે પક્ષે ચાપડ ગ્રામ પંચાયત દ્વારા વુડા સહીત જરૂરી સત્તામંડળને લેખિતમાં ફરિયાદ કરીને પોલીસ ફરિયાદ કરવાની માંગણી કરવામાં આવનાર છે. કથિત રાજકીય આશ્રય મેળવીને કરવામાં આવેલી ગેરરીતિની યોગ્ય તપાસ કરવા વુડાના અધિકારી સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આ અંગે વુડાના ડેપ્યુટી એન્જીનીયરને પૂછતા તેઓ રજા પર હોવાનું જણાવીને યોગ્ય ઉત્તર આપવાનું ટાળ્યું હતું.