Vadodara

ધનિયાવીમાં મેદાનમાં પાથરેલા સ્ક્રેપમાં ભીષણ આગ, ફાયરની ટીમો દોડી

Published

on

આજકાલ ડોર ટુ ડોરથી લઇને ડમ્પીંગ સાઇટ સુધીમાં ભંગાર એકત્ર કરીને વેચાણનો વેપલો પાછલા સમયમાં ખુબ ફુલ્યો-ફાલ્યો છે.

વડોદરા ના ધનિયાવીમાં મેદાનમાં પાથરીને મુકી રાખવામાં આવેલા સ્ક્રેપમાં ભીષણ આગ  લાગવાની ઘટના સામે આવી છે. ફાયર કંટ્રોલ રૂમમાંથી વર્ધિ મળતા જીઆઇડીસી ફાયર વિભાગનો સ્ટાફ તુરંત દોડ્યો હતો. જો કે, વર્ધિ અનુસાર કોઇ મકાનમાં આગ લાગી હોવાનું જાણ્યું હતું, પરંતુ સ્થળ પર જતા મેદાનમાં ભીષણ આગ લાગી હોવાનું સપાટી પર આવ્યું હતું. બે ટીમો દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અને આ ભંગાર એકત્ર કરીને જોખમી રીતે મુકી રાખવા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તબક્કે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી.

વડોદરાના ધનિયાવી પાસે આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ અંગે ફાયર સબઓફિસર હિરેનદાન ગઢવીએ જણાવ્યું કે, કંટ્રોલ રૂમથી અમને ચીખોદરા ગામ પાસેના ધનિયાવીમાં આગ લાગી હોવાની જાણ થઇ હતી. હકીકતમાં અમને નાની દુકાનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. પરંતુ સ્થળ પર જોતા જ સ્ક્રેપ ભરેલા ગોડાઉનમાં આગ લાગી હતી. અમે તુરંત સ્થળ પર આવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. વાયરોને સળગાવવામાં આવ્યા હોય તો તેની તપાસ થવી જોઇએ. આગ લગાડવી ના જોઇએ અને જે કોઇ લાયસન્સ પાત્ર છે, તેની પણ તપાસ થવી જોઇએ.

વધુમાં તેમણે જણાવ્યું કે, હાલ આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. નિયમાનુંસાર તેમણે જે કોઇ લાયસન્સ લેવું જોઇએ તે જરૂરી છે, નહીં તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે. આ ખુલ્લુ મેદાન છે, તેમણે મેદાનમાં સ્ક્રેપ પાથર્યો છે. તે અંગે મંજુરી લેવી જરૂરી છે. હાલ જીઆઇડીસી ફાયર બ્રિગેડની બે ટીમો આવી છે. અને આગ પર કાબુ મેળવી લેવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અહિંયા મેદાનમાં પાથરમાં આવેલો સ્ક્રેપનો સામાન જાંબુઆ ડમ્પીંગ સાઇટ પરથી એકત્ર કરવામાં આવે છે. આ ભંગાર પર્યાવરણ માટે જોખમી હોવાનું માનવામાં આવે છે. ડોર ટુ ડોરથી લઇને ડમ્પીંગ સાઇટ સુધીમાં ભંગાર એકત્ર કરીને વેચાણનો વેપલો પાછલા સમયમાં ખુબ ફુલ્યો-ફાલ્યો છે. આવનાર સમયમાં આગનું કારણ આ ના બને તે માટે વધુ તપાસ થવી જરૂરી છે.

Trending

Exit mobile version