- જૂની અદાવતનો બદલો: બે વર્ષ પહેલાં બર્થડે પાર્ટી દરમિયાન થયેલા ઝઘડાની દાઝ રાખીને પિતરાઈ ભાઈઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી.
- ઘરમાં ઘૂસીને મારવાની ધમકી: આરોપીઓએ ફોન કરીને વેપારીને ગાળો બોલી અને પચાસ લાખ રૂપિયા આપે તો પણ જીવતા નહીં છોડીએ તેવી ચીમકી ઉચ્ચારી.
- ત્રણ આરોપીઓ સામે ગુનો: મનીષ પ્રજાપતિ, અભિષેક પ્રજાપતિ અને રોહિત પ્રજાપતિ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.
- પોલીસ તપાસ શરૂ: વેપારીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માંજલપુર પોલીસે આરોપીઓની ધરમાકડ અને સઘન તપાસ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં જૂની અદાવત રાખીને વેપારીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાની એક ગંભીર ઘટના સામે આવી છે. પિતરાઈ ભાઈઓ દ્વારા અવારનવાર ફોન કરીને હુમલો કરવાની ધમકીઓ આપવામાં આવતા ભોગ બનનાર વેપારીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે.
🧐શું છે સમગ્ર મામલો?
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે આવેલા પાર્થ ભૂમિ ખાતે રહેતા દિલીપ સુરેશભાઈ પ્રજાપતિ સુશેન સર્કલ પાસે દાબેલી અને વડાપાંવની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, બે વર્ષ પહેલાં તેમના પુત્રની બર્થડે પાર્ટી તરસાલીની એક હોટલમાં રાખવામાં આવી હતી. તે દરમિયાન મનીષ ભગવતભાઈ પ્રજાપતિ (રહે. રાજીવનગર, તરસાલી રોડ, મૂળ રહે. મધ્યપ્રદેશ) સાથે તેમનો ઝઘડો થયો હતો. આ નાની બાબતની અદાવત રાખીને અવારનવાર તેમની વચ્ચે તકરાર થતી હતી.
📳ફોન પર ધમકીઓનો દોર અને જાનથી મારી નાખવાની ચીમકી:
ગત 11 તારીખની રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં મનીષ પ્રજાપતિના પિતરાઈ ભાઈ અભિષેક વિનોદભાઈ પ્રજાપતિનો દિલીપભાઈ પર ફોન આવ્યો હતો. તેણે ગાળો બોલીને ધમકી આપી હતી કે, “ચાહતા ક્યા હૈ? મેં વડોદરા મેં આ કે તેરી ગલતફેમી દૂર કરતા હું.”
જ્યારે દિલીપભાઈએ કહ્યું કે તેમને કોઈ ગેરસમજ નથી, ત્યારે મનીષ ફોનમાં વચ્ચે બોલ્યો હતો કે, “તું ગાંવ મેં આકે દીખા, તુજે ઘર મેં ઘુસ કે જાનસે માર દેંગે, તુ પચાસ લાખ દેગા તો જીંદા નહીં છોડેંગે.” આટલું જ નહીં, ત્યારબાદ પણ મનીષ તેમજ તેના બે કુટુંબી ભાઈઓ અભિષેક અને રોહિત સંતોષભાઈ પ્રજાપતિ ત્રણેયે ભેગા મળીને વારંવાર ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
🚨પોલીસ કાર્યવાહી:
વારંવાર મળતી જાનથી માવાની ધમકીઓથી ત્રસ્ત થઈને વેપારી દિલીપભાઈએ માંજલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મનીષ પ્રજાપતિ, અભિષેક પ્રજાપતિ અને રોહિત પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.