- ક્રાઈમ બ્રાન્ચની એક્શન: વડોદરા મધ્યસ્થ જેલમાંથી રજા પર છૂટ્યા બાદ બારોબાર ફરાર થઈ જનાર પાકા કામના કેદીને દબોચી લેવાયો.
- હત્યાનો ગુનો: વર્ષ 2013 ઘરના ભાગ બાબતે પિતા સમાન કાકાની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરનાર પ્રવિણ તડવીની ધરપકડ.
- પેરોલ જમ્પ: 12 માર્ચના રોજ 10 દિવસની રજા પર છૂટ્યા બાદ 23 માર્ચે હાજર થવાને બદલે આરોપી થઈ ગયો હતો અદ્રશ્ય.
- ગુપ્ત ઓપરેશન: છોટાઉદેપુરના ખોડીયા ગામે બસ સ્ટેન્ડ પાસેથી હ્યુમન સોર્સિસની મદદથી ક્રાઈમ બ્રાન્ચે બિછાવ્યું જાળ.
વડોદરા: વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ, ફર્લો કે વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ જેલમાં પરત હાજર ન થઈ ફરાર થઈ જનારા કેદીઓને શોધી કાઢવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 2013ના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા અને જેલમાંથી ફરાર થયેલા આરોપી પ્રવિણ અર્જુનભાઈ તડવીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
❓શું હતો સમગ્ર મામલો?
મૂળ છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ખોડીયા ગામનો રહેવાસી પ્રવિણ તડવી વર્ષ 2013માં નોંધાયેલા હત્યાના ગુનામાં વડોદરા જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો. ગત 12 માર્ચ 2026ના રોજ તે જેલમાંથી 10 દિવસની વચગાળાની રજા પર મુક્ત થયો હતો. નિયમ મુજબ તેને 23 માર્ચ 2026ના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું, પરંતુ તે સમયસર હાજર ન થઈ બારોબાર ફરાર થઈ ગયો હતો.
👮ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન:
જેલ સત્તાધીશો દ્વારા આ અંગે જાણ કરાતા ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ હતી. હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે આરોપી હાલ તેના વતન ખોડીયા ગામમાં છુપાયેલો છે. માહિતી મળતા જ પોલીસે ખોડીયા ગામમાં ખાનગી રાહે વોચ ગોઠવી હતી અને આરોપી પ્રવિણ તડવીને ગામના બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લીધો હતો. હાલ આરોપીને તેની બાકીની સજા ભોગવવા ફરી વડોદરા જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે.
🧐ખૂની ખેલની વિગત:
ઘટના 24 એ ફેબ્રુઆરી 2013ની છે, જ્યારે આરોપી પ્રવિણ તડવીએ તેના કાકા પાસે ઘરના ભાગની માંગણી કરી હતી. કાકાએ બે દિવસમાં ભાગ પાડી દેવાનું કહેતા જ પ્રવિણ ઉશ્કેરાઈ ગયો હતો અને કુહાડી વડે કાકાના માથા તથા બરડાના ભાગે જીવલેણ ઘા ઝીંક્યા હતા. વચ્ચે છોડાવવા આવેલા કાકીને પણ તેણે ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કાકાનું સારવાર દરમિયાન મોત નીપજતા બોડેલી પોલીસે 302 હેઠળ ગુનો નોંધી તેને જેલ ભેગો કર્યો હતો, જેમાં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
🚨જેલમાંથી રજા મેળવી કાયદાને હાથમાં લેવાનો પ્રયાસ કરનાર કેદીઓ સામે વડોદરા પોલીસની આ કડક કાર્યવાહી લાલબત્તી સમાન છે.