વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામે લક્ષ્મીનારાયણ ફળીયા ખાતે રહેતા યુવક મિત્રો વચ્ચે પોતાનો વટ પાડવા માટે દેશી હાથ બનાવટની રિવોલ્વર અને 6 જીવતા કારતુસ સાથે તેના ઘરની બહાર બાંકડા પર બેઠો અને જિલ્લા પોલીસ તંત્રના SOG પોલીસે બાતમીના આધારે યુવકને રિવોલ્વર અને 6 જીવતા કારતુસ સાથે ઝડપી પાડી યુવકની ધરપકડ કરી આર્મસ એકટ મુજબ વડું પોલીસ મથક ખાતે ગુનો નોંધી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ મથક હદ વિસ્તારમાં જિલ્લા SOG પોલીસની ટીમ પેટ્રોલીંગ હતી તે દરમિયાન જિલ્લા SOG ની ટીમને બાતમી મળી હતી કે, ડબકા ગામે લક્ષ્મીનારાયણ ફળીયા ખાતે રહેતા નિમેષકુમાર ચંદુભાઇ પરમાર પોતાની પાસે દેશી હાથ બનાવટની રિવોલ્વર રાખેલ છે અને હાલ તે રિવોલ્વર સાથે તેના ઘર પાસે આવેલ લક્ષ્મીનારાયણ મંદિર આગળ બેસેલ છે અને તેને કાળા કલરનુ શર્ટ પહેરેલ છે
જિલ્લા SOG ની ટીમને મળેલ બાતમી ના આધારે બાતમી આધારિત સ્થળ ડબકા ગામે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પહોંચી હતી દરમિયાન મળેલ બાતમી આધારિત યુવક મંદિરના આગળ આવેલ સીમેન્ટના બાંકડા ઉપર હાથમાં એક પાકીટ લઇ બેઠો હતો અને પોલીસને જોઇ ભાગવા જતા પોલીસે તેનો પીછો કરી પકડી પાડી તેની અંગઝડતી કરતા તેના કમરના ભાગે એક દેશી હાથ બનાવટની રિવોલ્વર મળી આવેલ તથા તેના હાથમાં પકડી રાખેલ પાકીટ માંથી 06 નંગ કારતુસ મળી આવ્યા હતા
પોલીસે આરોપી પાસેથી રૂપિયા 25 હજારની કિંમતની દેશી હાથ બનાવટની રિવોલ્વર, કારતૂસ, એક મોબાઇલ ફોન અને કાંડા ઘડિયાળ સહીત કુલ રૂપિયા 30,700નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની અટકાયત કરી હતી રિવોલ્વર તથા કારતુસ કયાંથી અને કોની પાસેથી લાવેલ છે અને કોને આપનાર હતો તે અંગે પુછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે, પોતે હાઉસ કિપીંગ ની નોકરી કરતો હોય બે વર્ષ પહેલા ભાયલી ખાતેના એક મકાનમાંથી આ હથીયાર તથા કારતુસ નંગ-06 અને કાંડા ઘડીયાળ પોતે મરુન કલરના રેકઝીનના પાકીટ સાથે લઇ આવેલ હતો અને આજે મિત્રો વચ્ચે પોતાનો વટ પાડવા માટે આ હથીયાર તથા કારતુસ લઇને અહીં બેઠો હતો
સમગ્ર મામલે જિલ્લા એસ.ઓ.જી પોલીસના એએસઆઇ ભોગીભાઈ ભવાનભાઈએ ઝડપાયેલ આરોપી વિરુદ્ધ વડું પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી વડું પોલીસે
આર્મસ એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરતા આ ગુનામાં અન્ય કોઇ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દીશામાં હાલ તપાસ હાથ ધરી છે.