વડોદરા અત્યારે ‘સ્માર્ટ સિટી’ બનવાની દિશામાં દોડી રહ્યું છે. ચારેબાજુ માર્ગ, ડ્રેનેજ અને પાણીની લાઈનોના કામો જોરશોરથી ચાલી રહ્યા છે, પણ આ વિકાસની સાથે એક મોટો ખતરો પણ વડોદરાવાસીઓના ઉંબરે આવી ઉભો છે. આ ખતરો છે – પ્રદૂષણની ઝેરી હવા.
શહેરના ચારે ખૂણે ચાલી રહેલા ખોદકામને કારણે વડોદરામાં અત્યારે ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જે નિયમો બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો માટે ફરજિયાત છે, તેનું જાણે કોઈ અસ્તિત્વ જ નથી. નિયમ કહે છે કે ખોદકામ સમયે પાણી છાંટવું જોઈએ, બાંધકામ સાઈટોને ગ્રીન નેટથી કવર કરવી જોઈએ અને ટ્રકોમાં સામગ્રી ઢાંકીને લઈ જવી જોઈએ. પરંતુ હકીકત કંઈક અલગ જ છે.
❓આંકડાઓ શું કહે છે?
આજે વડોદરાની હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે.
સુભાનપુરા વિસ્તાર: AQI 306 (અત્યંત જોખમી શ્રેણી)
મંગળ બજાર: AQI 266 (જોખમી શ્રેણી)
PM10 સ્તર: 231.99 અને PM2.5: 110.47 (મંગળ બજારમાં)
આ પ્રદૂષિત હવાને કારણે બાળકો અને વૃદ્ધોમાં શ્વાસ લેવાની તકલીફ અને એલર્જી જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે.
🧐તંત્રની કામગીરી પર સવાલ:
કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) હેઠળ કારેલીબાગના સવાદ અર્બન હેલ્થ સેન્ટર ખાતે એર મોનિટરિંગ સ્ટેશન તો સ્થાપી દેવાયું છે, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે તે હજુ સુધી પૂરી ક્ષમતાથી કાર્યરત થયું નથી. આ ડેટાના આધારે ક્યારે પગલાં લેવાશે તે સૌથી મોટો સવાલ છે.
શહેરના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારના રહીશો ઉદ્યોગોની દુર્ગંધ અને વાહનોના ધુમાડાથી પણ એટલા જ ત્રસ્ત છે. નોટિસો અપાય છે, તપાસ થાય છે, પણ પરિણામ શૂન્ય છે.
🫵જો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને GPCB જલ્દી કોઈ કડક પગલાં નહીં ભરે, તો આ ‘વિકાસ’ શહેરવાસીઓના સ્વાસ્થ્ય માટે મોંઘો સાબિત થશે.