Vadodara

જન્માષ્ટમીની ઉજવણીની પોલીસ પરવાનગી હોવા છતાંય વિફરેલા PSIએ આયોજકોને અપશબ્દો ભાંડી DJ સળગાવી દેવાની ધમકી આપી!

Published

on

  • પરવાનગી પોલીસ કમિશ્નરે આપી છે,મારી પરવાનગી ક્યાં છે? તેમ કહી આયોજકો સાથે ઘર્ષણ કર્યું
  • પોલીસ પ્રક્રિયા પુરી કરી હોવા છતાંય આયોજકોને પોલીસનો કડવો અનુભવ થતા PSI વિરુદ્ધ અરજી કરી
  • અધિકારીઓના આંતરિક અહમના ટકરાવને કારણે ધાર્મિક કાર્યક્રમના આયોજકોએ કેમ વેઠવું પડે?

શહેરમાં હાલ તહેવારોની ઉજવણી ધૂમધામથી થઈ રહી છે. ત્યારે ઉત્સવપ્રિય પ્રજા પોલીસ દાયરામાં રહીને ઉત્સવોની ઉજવણી કરતી હોય ત્યારે પોલીસની દમનગીરીનો કિસ્સો માંજલપુર પોલીસ મથકની હદમાં બનવા પામ્યો છે. જ્યાં પોતાના જ પોલીસ મથકમાં PSI વિરુદ્ધ ધમકી આપવા,ગાળાગાળી કરવા અને ડી.જે સળગાવી દેવા સુધીના ઉચ્ચારણ કર્યા હોવાની અરજી થવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના માંજલપુર પોલીસ મથકની હદમાં આવતા વડસર ગામ અંબિકા ચોકમાં રહેતા પાર્થ શાંતિલાલ પટેલે શિવમ ગ્રૂપ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી માટેની પરવાનગી પોલીસ કમિશ્નર કચેરીની વિશેષ શાખા માંથી લેવામાં આવી હતી. જેમાં જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોચર કોલ સેન્ટરથી આ શોભાયાત્રા શરૂ થઈને માંજલપુર વિસ્તારમાં ફરીને પરત તેજ સ્થળે પૂર્ણ થવાની હતી. અને ત્યારબાદ મટકી ફોડનો કાર્યક્રમ કોચર કોલ સેન્ટર પાસે યોજાવાનો હતો.

પરવાનગી સાંજના 4 વાગ્યા થી શોભાયાત્રા શરૂ થઈને 6.30એ નિજ સ્થળે પહોંચીને સાંજના 7 થી 10 વાગ્યા સુધી મટકીફોડનો કાર્યક્રમ યોજાવાનો હતો. આ ધાર્મિક કાર્યક્રમની પોલીસ કમિશ્નર કચેરી માંથી પરવાનગી લીધી હોવા છતાંય સ્થાનિક PSI ભાનુભાઈ ભરવાડ સ્થળ પર આવીને આયોજકો સાથે ઘર્ષણ શરૂ કર્યું હતું.

આયોજકોએ જણાવ્યું કે,પોલીસ કમિશ્નર કચેરીની વિશેષ શાખા માંથી કાર્યક્રમની પરવાનગી લીધી છે. તેમ છતાંય PSI ભાનુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, ‘હું અહીંયાનો ઇન્ચાર્જ છું. મારી પરવાનગી લીધી છે કે કેમ?’ તેમ કહીને ડીજે સળગાવી દેવાની ધમકી ઉચ્ચારીને કાર્યક્રમ નહીં થવા દઉં તેવી ધમકી આપીને આયોજકો સાથે ગાળાગાળી પણ કરી હતી.

સમગ્ર પ્રકરણને લઈને આયોજકોએ PSI ભાનુભાઈ ભરવાડ વિરુદ્ધ તેમના જ પોલીસ સ્ટેશન માંજલપુરમાં ધાકધમકી અને ગાળાગાળીની લેખિત ફરિયાદ આપી છે. મહત્વની વાત એ છે કે, જ્યાં આયોજકો સંપૂર્ણ પોલીસ પ્રક્રિયા પુરી કરીને ધાર્મિક કાર્યક્રમો કરતા હોય તો કોઈ એક અધિકારીનો અહમ સંતોષવા માટે આયોજકો પર જોરજુલમ કરવો કેટલા અંશે યોગ્ય છે? પોલીસ કમિશ્નરની વિશેષ શાખા માંથી પરવાનગી મળી હોય ત્યાં સ્થાનિક ચોકીના PSI ઉપલા અધિકારીઓથી પણ ઉપરવટ થયા હોય તેવો ઘાટ સર્જાતા ભારે અસંતોષ ઉભો થયો છે. આયોજકોએ અરજીમાં PSI વિરુદ્ધ કાર્યવાહી કરવાની લેખિત માંગ કરતા પોલીસબેડામાં પણ ચાલચાર મચી છે.

Trending

Exit mobile version