વડોદરા પાસે સિંધરોટ મહીસાગર નદીમાંથી ચાર યુવાનોન મૃતદેહ મળી આવ્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આજે બપોરના સમયે મૃતદેહો સ્થાનિકોના ધ્યાને આવતા તેને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ મહિસાગર નદીના કોટણામાં નાહવા પડેલા બે યુવકોનું મૃત્યુ થયાની ઘટના સામે આવી હતી. હાલ પોલીસે મૃતદેહોનો પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા પાસે આવેલા જળાશયોમાં નાહવા પડેલા લોકો ડુબી જવાની ઘટના સમયાંતરે સામે આવતી રહી છે. અહિંયા લોકોને નાહવા જતા અટકાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. આજે સિંઘરોટના ઉમેટા બ્રિજ પાસેથી ચાર યુવાનોનો મૃતહેદ મળી આવ્યો છે. આ વાતની જાણ સ્થાનિકોને થતા તરવૈયાઓ અને નાવડીની મદદથી મૃતદેહોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. અને કિનારે લાવવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, આ યુવકો કોટણા મહીસાગર નદીમાં નાહવા પડ્યા હોઇ શકે છે. અને ડુબતા તેઓ સિંઘરોટ સુધી તણાઇને આવ્યા હોવાની પ્રબળ શક્યતાઓ જણાઇ આવે છે.
તાજેતરમાં મહીસાગર નદીના કોટણામાં ચાર યુવાનો નાહવા પડ્યા હતા. તે પૈકી બે યુવકોનું મૃત્યુ થયું હતું. આ પાછળ નદી કિનારે થતા ખનન સામે પણ આરોપો ઉઠવા પામ્યા હતા. અને તંત્ર દ્વારા નદીમાં નાહવા નહી જવાના બોર્ડ પણ લગાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જો કે, આ વાતની અમલવારી રોકવામાં નિષ્ફળતા મળી હોવાનું આજની ઘટના પ્રતિતી કરાવે છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ તબક્કે ચારેય યુવકોની ઓળખ થઇ શકી નથી.