- વડોદરા જીલ્લા પંચાયતમાં સભ્યો અને અધિકારીઓ સામસામે!,DDO રજુઆત ન સાંભળતા હોવાના આક્ષેપ
- મંજૂરી માટે મુકેલા કામો DDOએ અટકાવી રાખ્યા, પંચાયત પ્રમુખને અધિકારીઓ વચ્ચે અસહજ જવાબ આપ્યો?!
- સભ્યોએ એકત્રિત થઈ સામુહિક રાજીનામાંની ઈચ્છા વ્યક્ત કરી, કોઈ પગલું ભરે તે પહેલાં સંગઠન અને સરકારમાં રજુઆત કરવા પહોંચ્યા
(મૌલિક પટેલ -એડિટર) વડોદરા જીલ્લા પંચાયતમાં કેટલાક વિકાસના કામોની મંજૂરીને લઈને ચૂંટાયેલી પાંખ અને અધિકારી આમને સામને આવી ગયા છે. જીલ્લા વિકાસ અધિકારી કામોની મંજૂરીમાં નિયમો બતાવી રહ્યા છે. જ્યારે જીલ્લા પંચાયત સભ્યો યોગ્ય તર્ક સાથે કામો મંજુર કરવા રજુઆત કરી રહ્યા છે. જ્યારે આ મામલે જીલ્લા પંચાયત પ્રમુખ અને DDO વચ્ચે અંતિમ કક્ષાની બેઠકો થઈ ગયા બાદ હવે સત્તાધારી પાંખ લડી લેવાના મૂડમાં છે.
વડોદરા જીલ્લા પંચાયતમાં આ ચૂંટણીનું વર્ષ છે જેથી મતદારોને કરેલા વાયદાઓ પૂર્ણ કરવા માટે સભ્યોએ કામોની યાદી જીલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચાડી છે. જે યાદીમાં કેટલાક કામો ખાનગી જગ્યામાં હોવાનું કહીને જીલ્લા વિકાસ અધિકારીએ કામો અટકાવી દીધા છે. જ્યારે આ કામો અગાઉ પણ થયા છે અને સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટ માંથી થતા આવ્યા છે તેમ જણાવીને કામો મંજુર કરવા વારંવાર બેઠકો કરવા છતાંય જીલ્લા વિકાસ અધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી. પંચાયત પ્રમુખ અને જીલ્લા વિકાસ અધિકારી વચ્ચે અંતિમ થયેલી બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીએ પ્રમુખને સંભળાવી દીધું હોવાથી હવે આ લડાઈ લાંબી ચાલશે તેવા એંધાણ છે.
હું તમને જવાબ આપવા બંધાયેલી નથી
જીલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ જીલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડાને અધિકારીઓની હાજરીમાં એમ કહ્યું કે, “હું તમને જવાબ આપવા બંધાયેલી નથી!” આ વાક્યને લઈને પંચાયતના સભ્યોએ પંચાયતમાં અધિકારીઓની મનમાની સામે લડી લેવા માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે. મંગળવારે જીલ્લા પંચાયત ખાતે ભાજપના સભ્યોએ બેઠક કરી હતી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવી અને સંગઠન પ્રભારી ગોરધન ઝડફિયાને મળવા માટે સમય માંગ્યો હતો. બુધવારે પંચાયત સભ્યોનું ઘાડું ગાંધીનગર પહોચ્યું હતું. જોકે પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓમાં ગૃહમંત્રી વ્યસ્ત હોય, સંગઠન પ્રભારીને મળીને વડોદરા જીલ્લા પંચાયતમાં અધિકારીઓની મનમાની અંગે રજુઆત કરી હતી. જ્યારે આ મામલે ગોરધનભાઈએ મુખ્યમંત્રીને રજુઆત કરવાની ખાતરી આપી હતી. આવતા સપ્તાહે જીલ્લા પંચાયત સભ્યો ફરી વાર ગૃહમંત્રીને મળવા માટે ગાંધીનગર જશે!
સીમાડામાં આકારણી કરીને વેરા વસુલાત કરતી પંચાયત વિકાસના કામો મંજુર કરતી નથી!
રજુઆત કરવા ગયેલા જીલ્લા પંચાયત સભ્યોના જણાવ્યા અનુસાર જિલ્લાના અનેક ગામોમાં નાગરિકો સીમાડામાં પોતાની જમીનો પર ઘર બાંધીને વસવાટ કરે છે. આવા મકાનોની આકારણી કરીને પંચાયત વેરો પણ વસુલ કરે છે. ગામ છેવાડે રહેતા નાગરિકોની સુવિધા માટે સૂચવેલા વિકાસના કામો સામે જીલ્લા વિકાસ અધિકારીને વાંધો છે. જ્યારે અગાઉ અને અત્યારે પણ ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટ માંથી છેવાડે પણ વિકાસના કામો થઈ રહ્યા છે. તો જીલ્લા પંચાયતના સભ્યોના સૂચનો કેમ મંજુર થતા નથી? આ ઉપરાંત પંચાયતને લાગતા કામોમાં મહેસુલી કામગીરી કરતા તલાટીઓની બદલી પણ અધિકારીએ મનસ્વી રીતે કરી છે. જેમાં જીલ્લા પંચાયત પ્રમુખને વિશ્વાસમાં લીધા નથી. જો અધિકારી પોતાની મનમાની પ્રમાણે પંચાયત ચલાવવા માંગતા હોય તો પ્રમુખ સહિત જીલ્લા પંચાયત સભ્યો સામુહિક રાજીનામુ આપી દેવા તૈયાર છે!