વડોદરા જિલ્લાના ડભોઇ નગરમાં તાજેતરમાં તૈયાર થયેલા સરિતા ફાટક ઓવરબ્રિજ ની કામગીરી હજી પણ પ્રગતિમાં છે. એક તરફના બ્રિજના નિર્માણ બાદ બીજી તરફના બ્રિજની કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે. આ સાથે હયાત બ્રિજ ઉપર ડામર લેયરની બાકી કામગીરી કરવા માટે તેમજ વારંવાર થતાં અકસ્માત રોકવા બ્રિજની હેડ વૉલ પર રંગકામ કરવા માટે આ બ્રિજને સાત દિવસ માટે બંધ કરવાનું જાહેરનામુ જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી વારંવાર અકસ્માતો સર્જાઇ રહ્યા હતા. આ સાથે સાથે એક્સપાન્શન જોઈન્ટ માંથી બ્રિજ તૂટી ગયો હોવાની પણ વાતો વહેતી થઈ હતી. જેના સમારકામ માટે પણ આ સાત દિવસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Advertisement
ભારદારી વાહનો તેમજ હળવા વાહનો માટે વડોદરા થી ડભોઇ જવા માટેનો ફક્ત આ એક જ મુખ્યમાર્ગ હતો ત્યારે હવે સાત દિવસ માટે રાજપીપળા- કેવડીયા થી વડોદરા તરફ તેમજ વડોદરા થી કેવડિયા અને રાજપીપળા તરફ જવા માટે જિલ્લા કલેકટર દ્વારા ડાયવર્ઝનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.