Dabhoi

ડભોઇના કરણેટ ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા,રેતી ખનન ઝડપાયું

Published

on

વડોદરા શહેર-જિલ્લામાં પહેલા વરસાદમાં જ પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તેવામાં પણ ડભોઇ પાસેના કરનેટ ગામે ખનીજ માફીયાઓ દ્વારા રેતી ઉલેચવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. ખાણ-ખનીજ વિભાગના દરોડામાં કરનેટ ગામેથી લાખો રૂપિયાના મુદ્દામાલની મશીનરી જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આમ, પૂર જેવી સ્થિતી પણ ખનીજ માફીયાઓના હોંસલા નબળા પાડી શકી ન હોવાનું સપાટી પર આવ્યું છે.

Advertisement

22, જુલાઇના રોજ અવિરત વરસેલા વરસાદના કારણે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં નવા નીર આવ્યા હતા. આજવા સરોવરે સલામત સપાટી વટાવતા તેમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જે બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, તો બીજી તરફ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. પરંતુ આવી સ્થિતી પણ ખનીજ માફીયાઓની હિંમત ડગમગાવી શકી ન્હતી.

ડભોઇના કરનેટ ગામે છેલ્લા લાંબા સમયથી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવાનું કાર્ય ચાલુ હતું. બેરોકટોક ચાલતા ખનીજચોરીના કૌભાંડ પર તાજેતરમાં ખાણ-ખનીજ વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 5 ટ્રક અને જેસીબી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. આ મુદ્દામાલની કિંમત આશરે રૂ. 80 લાખથી વધુ આંકવામાં આવી રહી છે. ખાણ-અને ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે. તો બીજી તરફ તંત્ર દ્વારા મનાઇ છતાં ગેરકાયદેસર ખનન કરનારા તત્વોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.

Advertisement

Trending

Exit mobile version