ડભોઇ:શહેર અને તાલુકાની 199 આંગણવાડી કેન્દ્રોના તાળાબંધી, કામગીરી ઠપ્પ.
આક્રોશ:મોંઘવારીના જમાનામાં 5000ના પગારમાં ઘર કેમ ચલાવવું? આંગણવાડી બહેનોનો સવાલ.
ઓનલાઇન કામનો વિરોધ: અડધો દિવસ એપ્લિકેશન ચાલતી નથી, ઓનલાઇન કામગીરી બની માથાનો દુખાવો.
અલ્ટીમેટમ: સરકાર કોઈ નિર્ણય ન લેતા ત્રણ દિવસ સુધી કામથી અળગા રહેવાનું એલાન.
ડભોઇ: રાજ્યભરમાં આંગણવાડી કાર્યકરો પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, ત્યારે આજે ડભોઇ શહેર અને તાલુકાની આંગણવાડી બહેનોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. પોતાની મુખ્ય અને પડતર માંગણીઓ સંતોષવામાં ન આવતા આજે સામુહિક રીતે મહિલા કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગઈ છે.
🧐199 કેન્દ્રો પર અસર:
ડભોઇ શહેર અને તાલુકાના આશરે 199 જેટલા આંગણવાડી કેન્દ્રોના વર્કરો અને હેલ્પરો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. અંદાજે 400 જેટલી મહિલા કર્મચારીઓએ ત્રણ દિવસ સુધી આંગણવાડી બંધ રાખી કામથી વંચિત રહેવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.
🗣️માંગણીઓ અને મુશ્કેલીઓ:
હડતાલ પર ઉતરેલી બહેનોએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, “આટલી ભયંકર મોંઘવારીના જમાનામાં માત્ર 5000 રૂપિયાના પગારમાં ગુજરાન ચલાવવું અશક્ય છે.” આ ઉપરાંત સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવેલી ઓનલાઇન કામગીરી સામે પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે એપ્લિકેશન વારંવાર બંધ થઈ જાય છે અને ટેકનિકલ ખામીઓને કારણે ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવી અત્યંત અઘરી પડી રહી છે.
👉સરકાર સામે લડત:
છેલ્લા કેટલાય દિવસોથી રજૂઆતો કરવા છતાં સરકાર તરફથી કોઈ નક્કર નિર્ણય લેવામાં ન આવતા આખરે બહેનોએ સામુહિક હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આ હડતાલને કારણે બાળકોના પોષણ અને અન્ય સરકારી યોજનાઓની કામગીરી પર સીધી અસર જોવા મળી રહી છે.
🫵હવે જોવાનું એ રહે છે કે આંગણવાડી બહેનોની આ લડત સામે સરકાર નમતું જોખશે કે પછી આ આંદોલન વધુ ઉગ્ર બનશે.